Surat: સુરતના અમરોલી ચાર રસ્તા પાસે સિટી બસમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે બસમાં મુસાફરી કરી રહેલા 20 થી 25 જેટલા મુસાફરો સમયસર નીચે ઉતરી જતાં તેમનો આબાદ બચાવ થયો છે.
જોત જોતામાં આખી બસ આગની ઝપેટમાં આવી ગઈ હતી. બીજી તરફ બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો.સદ નસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, કોસાડ ગામથી નીકળીને સ્ટેશન તરફ જતી સિટી બસ અમરોલી ચાર રસ્તા પાસે પહોચી હતી. આ સમયે બસમાં ધુમાડો નીકળ્યો હતો.
આથી ડ્રાઈવરે બસ તરત જ ઉભી રાખી દીધી હતી. આ સમયે બસમાં અંદાજિત 20 થી 25 મુસાફરો હતા, જે તમામ નીચે ઉતરી ગયા હતા. જે બાદ જોતજોતામાં આખી બસ આગમાં સ્વાહા થઈ ગઈ હતી.
બીજી તરફ બસમાં આગ લાગ્યાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતા બસમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ આ ઘટનાને લઈને ત્યાં લોકો પણ એકઠા થઈ ગયા હતા. ત્યાં ટ્રાફિક જામ પણ સર્જાયો હતો જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
