Surat: ઉધના રેલવે સ્ટેશને ટ્રેનની રાહ જોઈ રહેલા મુસાફરોની ધીરજ ખૂટતા અફરાતફરી, પોલીસે હળવો લાઠી ચાર્જ કરી સ્થિતિ કાબુમાં લીધી

વહીવટી તંત્ર દ્વારા મુસાફરો માટે પીવાની પાણીની વ્યવસ્થા કરવામાં આવી, ત્યારે તરસ્યા મુસાફરોએ પાણીની બોટલોની રીતસરની લૂંટ ચલાવી..

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 19 Apr 2026 06:57 PM (IST)Updated: Sun, 19 Apr 2026 06:57 PM (IST)
surat-news-chaos-at-udhna-junction-railway-station-thousands-rush-for-trains-amid-summer-rush
HIGHLIGHTS
  • 8000 મુસાફરોની સામે માત્ર 2 ટ્રેનની અપૂરતી વ્યવસ્થાથી અંધાધૂંધી

Surat: ગુજરાતના મિની ઈન્ડિયા ગણાતા સુરતના ઉધના જંક્શન પર મોટી સંખ્યામાં મુસાફરો ઉમટી પડતા અફરાતફરી મચી જવા પામી છે. લગ્નની સિઝન, ઉનાળું વેકેશન અને કારખાનામાં રજાઓ પડતાં સુરતમાં વસતા પરપ્રાંતિયોએ વતનની વાટ પકડી છે. જો કે રેલવે સ્ટેશન પર લાંબા સમયથી ટ્રેનની રાહ જોઈ રહેલા મુસાફરોની ધીરજ ખૂટતાં નાસભાગ મચી જવા પામી હતી. આખરે પોલીસ દ્વારા હળવો બળપ્રયોગ કરીને ભીડને કાબૂમાં લીધી છે.

હકીકતમાં ઉધના રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં મુસાફરો પોતાના વતન જતી ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. જો કે મુસાફરોની સરખામણીમાં ટ્રેનોની સંખ્યા ઓછી હોવાના પરિણામે ઉધના રેલવે સ્ટેશન પર અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. મુસાફરોને મજબૂરીવશ ભૂખ્યા-તરસ્યા રહીને લાઈનોમાં ઉભા રહેવું પડ્યું હતુ.

ઉધના રેલવે સ્ટેશન પર 8000થી વધુ મુસાફરો સામે માત્ર બે ટ્રેનની સુવિધા કરવામાં આવી હોવાથી અંધાધૂંધી સર્જાઈ હતી. અસહ્ય ગરમી અને ગૂંગળામણના કારણે અકળાયેલા મુસાફરોની ધીરજ ખૂટતાં તેઓ બેરિકેડ કૂદવા લાગ્યા હતા. આ દરમિયાન મુસાફરોની બેકાબુ બનેલી ભીડને કાબૂમાં લેવા માટે પોલીસને હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

આટલું જ નહીં, કાળઝાળ ગરમી વચ્ચે વહીવટી તંત્ર દ્વારા મુસાફરો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમયે તરસ્યા મુસાફરોએ એકબીજાના હાથમાંથી પાણીની બોટલોની રીતસરની લૂંટ મચાવી હતી.

આ અંગે રેલવે અધિકારી અનુભવ સક્સેનાએ જણાવ્યું કે, હાલ ઉનાળું સિઝન ચાલી રહી હોવાથી મુસાફરો માટે અમે સ્પેશિયલ ટ્રેનો દોડાવી રહ્યા છે. અત્યાર સુધી 6 ટ્રેનો દોડાવાઈ છે. પહેલી ટ્રેન રાતે દોઢ વાગ્યે ઉધનાથી જયનગર ગઈ હતી. જે બાદ સવારે સાડા પાંચ વાગ્યે એક ટ્રેન મધુબની માટે રવાના થઈ છે. મુસાફરોની સંખ્યાને અમે સતત મોનિટરિંગ કરી રહ્યાં છીએ. કોઈ અનિચ્છનિય ઘટના ના બને તે માટે રેલવે દ્વારા તમામ તકેદારી રાખવામાં આવી રહી છે.