Surat News: મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવમાં 4 વર્ષની માસૂમ દીકરી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી હતી આ ઘટનાના પડઘા સુરતમાં પણ પડ્યા છે, સુરતમાં લોકોએ કેન્ડલ માર્ચ અને ન્યાય યાત્રા યોજી હતી અને આરોપીને ફાંસી આપવાની માંગ કરી હતી.
મહારાષ્ટ્રના માલેગાવમાં 4 વર્ષની માસૂમ દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને બાદમાં પથ્થર મારી તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના પડધા સુરતમાં પણ પડ્યા છે. સુરતમાં પણ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સુરતના ઉધના વિસ્તારમાં લોકોએ કેન્ડલ માર્ચ અને ન્યાય યાત્રા યોજી હતી. આ કેન્ડલ માર્ચ અને ન્યાય યાત્રા રાજે ચોકથી શરૂ થઈને છત્રપતિ શિવાજી મહારાજ ચોક સુધી યોજવામાં આવી હતી.
આ કેન્ડલ માર્ચ અને ન્યાય યાત્રામાં મોટી સંખ્યામાં નાની બાળકીઓથી લઈને મહિલાઓ, યુવાનો અને સ્થાનિક નાગરિકો જોડાયા હતા. લોકોએ બાળકીને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને પીડિત બાળકી માટે ન્યાયની માંગ કરતા પ્લેકાર્ડ્સ લઈને ચાલ્યા હતા. લોકોએ આ કૃત્યના આરોપીને તાત્કાલિક ફાંસીની સજા થાય તેવી પ્રબળ માંગ કરી હતી.
સ્થાનિક યુવતી પ્રીતિસિંગ રાજપૂતે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં બાળકી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. તે માત્ર 4 વર્ષની હતી, તેની ભૂલ શું હશે ? શું તેણે નાના કપડા પહેર્યા હશે ? તે કોઈને છેડવા ગઈ હશે ? તે ઈન્સ્ટા પર કઈને કઈ ચલાવી રહી હશે ? ભૂલ તે છોકરાની છે જેનું લોહી મગજમાં નહી પણ બીજી જગ્યાએ દોડે છે, આવા લોકો કોઈની માં દીકરીને જોતા નથી તેમને માત્ર હવસની આગ હોય છે. આજે અમે આવા હવસીઓને સળગાવ્યા છે, સરકારને નિવેદન છે કે એક એવી યોજના બનાવે જ્યાં રેપ કરવા વાળાના હાથ કાપવા જોઈએ.
