Surat: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે, જ્યાં બુધવારે તેમણે સાબરકાંઠા અને ગાંધીનગરમાં કાર્યોની સમીક્ષા કર્યા બાદ આજે સુરત એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. દક્ષિણ ગુજરાતના મહત્ત્વના માર્ગ પ્રોજેક્ટ્સની જમીની હકીકત જાણવા માટે મંત્રીએ 'ઓન-ધ-સ્પોટ' નિરીક્ષણ અભિયાન શરૂ કર્યું છે, જેનાથી સ્થાનિક નાગરિકોમાં નવી આશા જાગી છે.
સુરત એરપોર્ટ પર પહોંચ્યા બાદ મંત્રી ગડકરી કોઈ ઓફિસ કે પ્રોજેક્ટ સાઇટ પર ગયા નહોતા, પરંતુ તુરંત જ એક ખાસ બસમાં સવાર થઈને હાઇવે પ્રોજેક્ટ્સના નિરીક્ષણ માટે રવાના થયા હતા. આશરે 10 બેઠકોની ક્ષમતાવાળી આ બસમાં તેમની સાથે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના ઉચ્ચ અધિકારીઓ અને પ્રોજેક્ટ નિષ્ણાતો જોડાયા હતા.
નીતિન ગડકરી કુલ 300 કિલોમીટરથી વધુ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ-વેની પ્રગતિનું મૂલ્યાંકન કરશે. આ વિસ્તૃત નિરીક્ષણ અભિયાન બે રીતે હાથ ધરાશે. જેમાં NH-53 અને NH-48 પરના આશરે 100 કિલોમીટરના માર્ગોનું નિરીક્ષણ, જ્યારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના 200 કિલોમીટરના ભાગનો તેઓ હેલિકોપ્ટરની મદદથી આકાશી સર્વે કરશે.
આ પ્રવાસનો હેતુ માત્ર પ્રગતિની સમીક્ષા કરવાનો નથી, પરંતુ પ્રોજેક્ટ્સમાં આવતી સમસ્યાઓ અને સ્થાનિક ફરિયાદોનો સ્થળ પર જ ઉકેલ લાવવાનો પણ છે. સ્થાનિક નાગરિકો અને ટ્રાફિક નિષ્ણાતોને મંત્રીના આ પ્રવાસથી નોંધપાત્ર અપેક્ષાઓ છે.
ખાસ કરીને NH-48 અને એક્સપ્રેસ-વેને જોડતા ઇન્ટરચેન્જની ખામીયુક્ત રચના અંગે ઉભી થયેલી મુશ્કેલી પર ગડકરી તાત્કાલિક ધ્યાન આપીને યોગ્ય માર્ગદર્શન આપે તેવી માંગ છે. જો આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તો ભવિષ્યમાં આ મહત્ત્વના માર્ગો પર ટ્રાફિક જામની ગંભીર સમસ્યાઓ ટાળી શકાય છે. મંત્રીનું આ સઘન નિરીક્ષણ દક્ષિણ ગુજરાતના માર્ગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુધારણામાં નિર્ણાયક પરિબળ સાબિત થઈ શકે છે.
મંત્રી ગડકરી અધિકારીઓ સાથે બસમાં પ્રવાસ કરીને સ્થળ પર જ પ્રશ્નોનું વિશ્લેષણ કરીને તાત્કાલિક સૂચનો આપશે, જેથી મુસાફરી વધુ સલામત અને સરળ બની શકે.
