Vadodara: વારસીયા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સાઈબાબા નગર સોસાયટી વિસ્તારમાં મધરાતે રહીશો ગાઢ નિદ્રામાં હતા, ત્યારે એક અજાણ્યો શખ્સ આવ્યો અને મકાનોની બહાર પાર્ક કરેલા વાહનોને નિશાન બનાવી એક પછી એક ગાડીઓને આગ ચાંપી દીધી હતી.આગ લાગતા જ થોડી જ પળોમાં આગની જ્વાળાઓ ભભૂકી ઊઠતાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. અવાજ સાંભળીને લોકો તરત જ ઘરોની બહાર દોડી આવ્યા હતા અને પોતાના વાહનો તેમજ આસપાસના મકાનોને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, આગ લગાવનાર શખ્સ માનસિક રીતે અસ્વસ્થ અથવા માથાભારે પ્રકારનો લાગતો હતો. આગ ચાંપ્યા બાદ તે શખ્સ ઝડપભેર ભાગી ગયો હતો, પરંતુ સોસાયટીમાં લગાવેલા CCTV કેમેરામાં તેનું કૃત્ય કેદ થઈ ગયું હતુ.
બીજી તરફ આ બનાવી જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક અંદાજ મુજબ અનેક વાહનો આગની ઝપેટમાં આવીને બળીને ખાખ થઈ ગયા છે, જોકે ચોક્કસ કેટલા વાહનોને નુકસાન થયું તેનું મૂલ્યાંકન હજી બાકી છે. સદનસીબે, આ ગંભીર ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ આ બનાવે વિસ્તારના લોકોમાં સુરક્ષા અંગે ગહન ચિંતા અને અસુરક્ષાની લાગણી ઊભી કરી છે.
વારસીયા પોલીસે આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લીધી છે. પોલીસે તાત્કાલિક CCTV ફૂટેજના આધારે આરોપીની ઓળખ માટે સઘન તપાસ શરૂ કરી છે. પોલીસની ટીમોએ ટેકનિકલ વિશ્લેષણ શરૂ કર્યું છે, તેમજ આરોપીને પકડવા માટે આસપાસના વિસ્તારના અન્ય CCTV ફૂટેજ પણ ચકાસી રહી છે. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, આ ઘટના અકસ્માતિક નહીં પરંતુ પૂર્વનિયોજિત કૃત્ય લાગી રહ્યું છે.
પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ શંકાસ્પદ વર્તન અથવા વ્યક્તિ અંગે તરત જ પોલીસને જાણ કરે. આ ઘટના બાદ સોસાયટીના વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવા અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાની ચર્ચાઓ પણ તેજ બની છે.
