Surat: રંગોના તહેવાર ધૂળેટીના દિવસે આણંદથી વિવિધ અંગોનું દાન ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા કરાવવામાં આવ્યું છે. એક દિવસ પહેલા જન્મેલી પોતાની દીકરીનું મોઢું નહી જોઈ શકેલો પિતા પાંચ વ્યક્તિઓના જીવનમાં ખુશીના રંગો ભરી ઉજાશ પાથરી ગયા છે. હકીકતમાં બાજખેડાવાડ બ્રાહ્મણ સમાજના બ્રેઈનડેડ હાર્દિકભાઈ નવીનચંદ્ર શેલત (40) ના લિવર, કિડની અને ચક્ષુઓનું દાન, શેલત પરિવારે ડોનેટ લાઈફના સંસ્થાના માધ્યમથી કરી પાંચ વ્યક્તિઓના જીવનમાં ખુશીના રંગો પૂર્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આણંદ સ્થિત બંસરી પાવન ફ્લૅટની સામે યતકૃપા રેસીડન્સી ખાતે પોતાના પરિવાર સાથે રહેતા અને 100 ફૂટ રોડ નવજીવન ઓર્થોપેડિક હોસ્પિટલની સામે પ્રોવિઝન સ્ટોર ચલાવી પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા 40 વર્ષીય હાર્દિકભાઈ નવીનચંદ્ર શેલત સોમવાર તા. 10 માર્ચના રોજ મોર્નિગ વોક કરીને આવ્યા બાદ નાસ્તો કર્યા પછી સ્નાન કરવા માટે ગયા હતા. જ્યાં અડધો કલાક પછી પણ તે બાથરૂમમાંથી બહાર નહીં આવતા તેની ગર્ભવતી પત્નીએ બાથરૂમનો દરવાજો ખખડાવતા દરવાજો ખુલી ગયો અને જોયું તો હાર્દિકભાઈ બેભાન અવસ્થામાં હતા.
આથી પરિવારજનોએ તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં તેઓને દાખલ કરી, સારવાર શરુ કરવામાં આવી અને નિદાન માટે CT સ્કેન કરાવતા નાના મગજમાં હેમરેજ હોવાનું નિદાન થયું હતું. તા. 13 માર્ચ ના રોજ ન્યુરોસર્જન ડૉ. સચિન પટેલ, ન્યુરોફીઝીશિયન ડૉ. હિમાંશુ પટેલ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. નિતાંત ત્રિવેદી, મેડિકલ ડિરેક્ટર ડૉ. મેહુલ પટેલ અને ફિઝીશિયન ડૉ. પાર્થ શાહે હાર્દિકભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
આયરીશ હોસ્પિટલના ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. નિતાંત ત્રિવેદી એ ડોનેટ લાઈફના સ્થાપક નીલેશ માંડલેવાલા નો ટેલીફોનીક સંપર્ક કરી હાર્દિકના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફ આણંદની ટીમના નિખિલ શાસ્ત્રી, નીશીલ પટેલે (પપ્પુભાઈ) હોસ્પિટલ પહોંચી હાર્દિકભાઈના પિતા નવીનચંદ્ર, માતા દક્ષાબેન, તેમજ શેલત પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી. જો કે અંગદાન અંગે કાયદાકીય રીતે હાર્દિકની પત્ની નીમાની સંમતિ લેવી જરૂરી હતી.
