Surat: સરથાણાના બ્રેઈન ડેડ આધેડના અંગદાનથી 6 લોકોને નવજીવન, મૃત્યુ પછી અન્યના જીવનમાં સુવાસ પ્રસરાવી

પ્રવિણ નાકરાણીને અજાણ્યા વાહને ટક્કર મારતા તેમને માથામાં ગંભીર ઈજા પહોંચતા સ્મીમેરમાં ખસેડવામાં આવ્યા. જ્યાં સિટી સ્કેનમાં બ્રેઈન હેમરેજનું નિદાન થયું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 09 Aug 2025 09:30 PM (IST)Updated: Sat, 09 Aug 2025 09:30 PM (IST)
surat-news-brain-dead-pravin-nakrani-organ-donation-give-new-life-to-6-people
HIGHLIGHTS
  • ડોનેટ લાઈફ દ્વારા હ્રદયના દાનની 57મી ઘટના
  • દાનમાં મળેલા હાર્ટનું અમદાવાદના દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ

Surat: રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વધુ એક અંગદાન સુરતની સ્મીમેર હોસ્પિટલથી કરાવવામાં આવ્યું છે. બ્રેઈન ડેડ પ્રવીણભાઈ હરિભાઇ નાકરાણી (ઉ.વ. 52 )ના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન નાકરાણી પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા હૃદયના દાન ની 57મી ઘટના છે.

સુરત શહેરના સરથાણા વી.ટી. નગર મેઘ મલ્હાર રેસીડેન્સીમાં રહેતા અને ડાયમંડ ફેક્ટરીમાં હીરા મજૂરીનું કાર્ય કરતાં પ્રવીણભાઈ હરિભાઈ નાકરાણી (ઉ.વ 52,) 4 ઓગસ્ટ 2025ના રોજ કામ પરથી ચાલતા ઘરે જઈ રહ્યા હતા, ત્યારે વી.ટી નગર, સરથાણા પાસે રાત્રે 9:00 કલાકે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા પ્રવીણભાઈને માથાના ભાગમાં ઇજા પહોચી હતી.

તેઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા સુરતની સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. તા. 7 ઓગસ્ટ 2025ના રોજ મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. જીતેન્દ્ર દર્શન, સર્જરી વિભાગના વડા ડૉ. અર્ચના નેમા, ન્યુરોસર્જન ડૉ. દીપેશ કક્કડ, RMO ડૉ. આનંદ પટેલ એ પ્રવીણભાઈ ને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

સર્જરી વિભાગના વડા ડૉ. અર્ચના નેમા એ ડોનેટ લાઈફના સ્થાપક નીલેશ માંડલેવાલા નો ટેલીફોનીક સંપર્ક કરી પ્રવીણભાઈ ના બ્રેઈન ડેડ અંગેની જાણકારી આપી હતી. ડોનેટ લાઈફ ની ટીમે હોસ્પિટલ પહોચી પ્રવીણભાઈના મોટાભાઈ શંભુભાઈ, કાકા રાજેશભાઈ અને જયેશભાઇ, ભત્રીજા ધર્મેશભાઈ, મિત્ર મેહુલભાઈ, કિશોરભાઇ ને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.

પ્રવીણભાઈના ભત્રીજા ધર્મેશભાઈએ જણાવ્યું કે, અમે સામાન્ય પરિવારના છીએ,જીવનમાં કોઈ ચીજવસ્તુ નું દાન કરી શકીએ તેમ નથી. આજે મારા કાકા બ્રેઈન ડેડ છે, ત્યારે તેમના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે દાન કરાવી ને અંગ નિષ્ફતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. પ્રવીણભાઈ ના પરિવારમાં મોટાભાઇ શંભુભાઈ ઉ.વ. 55, માતા સમજૂબેન ઉ.વ. 92 છે.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા હૃદય અમદાવાદની યુ. એન મહેતા હોસ્પિટલને, લિવર સુરતની કિરણ હોસ્પિટલને અને બંને કિડની અમદાવાદ ની હોસ્પિટલ ને ફાળવવામાં આવી. દાન માં મેળવવામાં આવેલા હૃદય નું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદ ના રહેવાસી 57 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં કરવામાં આવ્યું.

દાન માં મેળવવામાં આવેલ લિવર નું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં મુંબઈના રહેવાસી 38 વર્ષીય વ્યક્તિમાં કરવામા આવ્યું. બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની હોસ્પીટલમાં કરવામાં આવશે. દાન માં મેળવવામાં આવેલ ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવશે.

હૃદય સમયસર હવાઈ માર્ગે અમદાવાદ પહોંચાડવા માટે સ્મીમેર હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધીના માર્ગનો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હૃદય, ફેફસા, હાથ, નાનું આતરડું, લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા- જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી 135 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.

ડોનેટ લાઈફ દ્વારા હૃદય દાન કરાવવાની આ સતાવનમી ઘટના છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય, ફેફસા, હાથ અને નાનું આતરડું દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર, અમદાવાદ, બેંગ્લોર, હૈદરાબાદ, કલકત્તા જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય, ફેફસા અને નાના આંતરડાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ, રશિયા, બાંગ્લાદેશ અને સુદાન દેશના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પીટલમાં કરવામાં આવ્યા છે. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.

ડોનેટ લાઈફ દ્વારા કુલ 1336 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં 542 કિડની, 235 લિવર, 57 હૃદય, 52 ફેફસાં, 9 પેન્ક્રીઆસ, 8 હાથ, 1 નાનું આતરડું અને 432 ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ 1232 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.