Rajkot: શહેરના ફૂટ રીંગ રોડ પર આવેલા ભવાની નગરમાં રહેતા અને ૨૦ વર્ષથી પુત્ર સાથે રીસામણે બેઠેલી પત્નીના ત્રાસથી કંટાળી એક પતિએ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પોલીસ પાસેથી મળતી વિગત મુજબ, ફૂટ રીંગ રોડ પર આવેલા ભવાની નગરમાં રહેતા હસમુખભાઈ કનુભાઈ ટીબીલીયા નામના 50 વર્ષીય આધેડે બપોરના સમયે ફિનાઈલ પી લીધું હતું. તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં હસમુખભાઈના બે ભાઈ એક બહેન છે અને તેમને એક પુત્ર છે. તેમની પત્ની ૨૦ વર્ષથી પુત્રને લઈને માવતરે રીસામણે બેઠી છે. પત્નીએ કોર્ટમાં ભરણપોષણનો કેસ પણ દાખલ કર્યો છે. આ બાબતથી કંટાળીને હસમુખભાઈએ આ પગલું ભર્યું હોવાનું મનાય છે. તાલુકા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ઝૂલા પરથી નીચે પટકાયેલી 5 વર્ષની બાળકીએ હોસ્પિટલ બિછાને દમ તોડ્યો
બીજા એક બનાવમાં મૂળ ધ્રોલના મોટા ઘરચળા ગામના વતની અને હાલ મોરબી રોડ પર વેલનાથપુરા પાસે કબીરધામ પાર્કમાં રહેતા કલ્પેશ પીઠડીયાની પાંચ વર્ષની પુત્રી પ્રિશા ગઈકાલે સાંજે ઘરના રવેશમાં ઝૂલા ખાઈ રહી હતી. તે સમયે અકસ્માતે નીચે પડી જતા તેના માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી. આથી બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
