Junagadh: માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ માણાવદર અને બાંટવા પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે પોલીસ પર હપ્તા વસૂલી કરવાનો અને પોલીસની મીઠી નજર હેઠળ હરતા-ફરતા જુગાર ક્લબ ચાલતા હોવાનો આરોપ લગાવ્યો છે.
ધારાસભ્ય લાડાણીના જણાવ્યા મુજબ, આ જુગાર ક્લબો હપ્તાખોરીને કારણે ચાલી રહી છે. જેના કારણે પોલીસને એક દિવસની 70,000થી વધુ રૂપિયાની કમાણી થાય છે. તેમણે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા છે.
આ ગંભીર આક્ષેપોને કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. શાસક પક્ષના ધારાસભ્યએ જ પોલીસ સામે આંગળી ચીંધતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
જુગારીઓએ જ ધારાસભ્યને ગેરમાર્ગે દોર્યા: બાટવા PSI
આ મામલે બાટવાના PSI આર.એમ.વાળાએ જણાવ્યું કે, ગઈકાલે જ શહેરના ચુનારાવાડમાં પોલીસે રેડ પાડી હતી. જ્યાં 15 જેટલા જુગારીઓ પત્તા રમતા હતા. જો કે પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી હતી. જે પૈકી માત્ર ત્રણેક જુગારીઓ જ ઝડપાયા હતા. આ સમયે જે જુગારીઓ પોલીસના હાથમાંથી છૂટકી ગયા હતા, તેમણે ધારાસભ્યને ખોટી માહિતી આપી છે. જેથી પોલીસની છબી ખરડાય. ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કરેલા તમામ આક્ષેપો પાયાવિહોણા છે.
