Duplicate Ghee: દિવાળી ટાણે જૂનાગઢમાં નકલી ઘીનું મહાકૌભાંડ પકડાયું: સોયાબીન તેલ અને કેમિકલ ભેળવી વેચાતું હતું ઝેરી ઘી

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે કમલેશ સોઢા નામના શખ્સે છેલ્લા 4 થી 5 વર્ષથી આ ગોરખધંધો ચલાવ્યો છે. આરોપી દિવેલાના વેપારની આડમાં સોયાબીન તેલ, દિવેલાનું તેલ, કૃત્રિમ ઘી ફ્લેવર તેમજ વિવિધ જોખમી કેમિકલ્સ અને એસેન્સ મોટા વાસણોમાં મિક્સ કરીને નકલી ઘી બનાવતો હતો.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 26 Oct 2026 07:49 AM (IST)Updated: Mon, 26 Oct 2026 07:49 AM (IST)
junagadh-sog-busts-duplicate-ghee-scam-marketing-yard-diwali-2026
નકલી ઘી

Junagadh Duplicate Ghee Scam: દિવાળીના પવિત્ર તહેવારો ટાણે જ જૂનાગઢમાંથી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતું એક ચોંકાવનારું નકલી દેશી ઘીનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. જૂનાગઢ SOG ની ટીમે માર્કેટિંગ યાર્ડ નજીક આવેલી ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ (દુકાન નં. 15) પર દરોડા પાડીને દિવેલા અને સોયાબીન તેલ તેમજ હાનિકારક કેમિકલમાંથી બનાવટી ઘી તૈયાર કરતા રીઢા ભેળસેળિયાનો પર્દાફાશ કર્યો છે. તહેવારોની મોસમમાં શુદ્ધ ઘીની માંગ વધતી હોય તેનો ગેરલાભ લઈને આરોપીઓ બ્રાન્ડેડ ડબ્બાઓમાં આ ઝેરી ઘી ગ્રાહકોને પધરાવી રહ્યા હતા.

સોયાબીન તેલ, કેમિકલ અને એસેન્સમાંથી બનતું હતું બનાવટી ઘી

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે કમલેશ સોઢા નામના શખ્સે છેલ્લા 4 થી 5 વર્ષથી આ ગોરખધંધો ચલાવ્યો છે. આરોપી દિવેલાના વેપારની આડમાં સોયાબીન તેલ, દિવેલાનું તેલ, કૃત્રિમ ઘી ફ્લેવર તેમજ વિવિધ જોખમી કેમિકલ્સ અને એસેન્સ મોટા વાસણોમાં મિક્સ કરીને નકલી ઘી બનાવતો હતો.

આ ઘી તૈયાર કરવા માટે કારખાનામાં ખાસ પ્રકારની પાઈપલાઈન અને ફિટિંગ ગોઠવવામાં આવી હતી, જેના દ્વારા સીધું પ્રવાહી ડબ્બાઓમાં ભરી લેવામાં આવતું હતું. સ્થળ પરથી આઠથી વધુ જાણીતી બ્રાન્ડના ડબ્બા, નામાંકિત કંપનીઓના બનાવટી લોગોવાળા સ્ટીકરો તેમજ ઘીની સુગંધ આપતી એસેન્સની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો છે. ખાસ કરીને આશ્ચર્યની વાત એ છે કે પેકિંગ કરાયેલા આ ડબ્બાઓ પર કોઈપણ પ્રકારની એક્સપાયરી ડેટ કે બેચ નંબર પણ છાપવામાં આવ્યા ન હતા.

‘બ્રજ મટુકી’ અને ‘કેશવ’ના નામે ગીર ગાયના શુદ્ધ ઘીનું વેચાણ

આરોપીઓ સાદા તેલ અને કેમિકલથી તૈયાર થયેલા આ નકલી ઘીના ડબ્બાઓ પર ‘બ્રજ મટુકી’ અને ‘કેશવ’ જેવી ધાર્મિક તથા જાણીતી બ્રાન્ડ્સના નકલી લેબલ અને સ્ટીકરો ચોંટાડી દેતા હતા. ત્યારબાદ બજારમાં આ ઘી અસલી અને પૌષ્ટિક ‘ગીર ગાયનું શુદ્ધ દેશી ઘી’ હોવાનો દાવો કરીને ₹600 પ્રતિ કિલોના આકર્ષક ભાવે ગ્રાહકોને વેચવામાં આવતું હતું. દિવાળી ટાણે મીઠાઈઓ અને ફરસાણમાં શુદ્ધ ઘીની ભારે માંગ રહેતી હોવાથી આ કૌભાંડ દ્વારા મોટા પ્રમાણમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખેલ કરવામાં આવી રહ્યો હતો.

લાખોનો મુદ્દામાલ જપ્ત

SOG ની સફળ કાર્યવાહી બાદ સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. તપાસ દરમિયાન લાખો રૂપિયાની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો, રો મટિરિયલ્સ અને સાધન-સામગ્રી જપ્ત કરવામાં આવ્યા છે. ફૂડ વિભાગના અધિકારી ચિંતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે જપ્ત કરાયેલા નમૂનાઓને સઘન પરીક્ષણ અર્થે વડોદરા સ્થિત સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આગામી ૧૪ દિવસમાં રિપોર્ટ આવ્યા બાદ કસૂરવારો સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરીશું.

બીજી તરફ, જે ગંભીર કામગીરી નિયમિત તપાસ કરીને અટકાવવાની જવાબદારી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની હતી, તે કામગીરી પોલીસ તંત્રને કરવી પડતાં સ્થાનિક તંત્રની ઘોર બેદરકારી અને નિષ્ક્રિયતા સામે શહેરીજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ આ શખ્સ બે વાર શંકાસ્પદ ઘી બનાવતા ઝડપાયો હોવા છતાં કાયમી ધોરણે અંકુશ ન આવતા લોકોમાં ચિંતા પ્રવર્તી છે.

નકલી ઘી સેવન કરવાથી સ્વાસ્થ્ય પર થતા મોટા જોખમો

  • હૃદયરોગનું જોખમ: ચરબીયુક્ત હાનિકારક તત્વો કોલેસ્ટ્રોલ વધારે છે, જેનાથી હાર્ટ એટેક અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓ થઈ શકે છે.
  • પાચનતંત્રને નુકસાન: કૃત્રિમ પદાર્થો પચવામાં ભારે હોવાથી પેટમાં બળતરા, અપચો, ગેસ અને લિવરને ગંભીર નુકસાન પહોંચાડે છે.
  • રોગપ્રતિકારક શક્તિ ઘટે: ભેળસેળયુક્ત ઝેરી તત્વો શરીરમાં જમા થવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે, જે બાળકો અને વડીલો માટે અત્યંત જોખમી છે.
  • કેન્સરનું જોખમ: સસ્તા કેમિકલ્સ અને હાનિકારક ફ્લેવર્સ શરીરના કોષોને નુકસાન પહોંચાડે છે, જે ભવિષ્યમાં કેન્સરનું કારણ પણ બની શકે છે.