Surat: સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બગુમરા ખાતે આવેલા એક ફ્લેટમાંથી યુવતીની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હાલ તો પલસાણા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પલસાણા તાલુકાના બગુમરા ખાતે આવેલી મહાદેવ પેલેસ સોસાયટીના એક ફ્લેટમાંથી અર્ધનગ્ન યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. આ બાબતની જાણ થતાં પલસાણા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવતીની ઓળખ મેહવિશ ખાતૂન (22) તરીકે થઈ છે. જે શિવમ નામના યુવક સાથે ફ્લેટમાં લિવ-ઈનમાં રહેતી હતી. જો કે ઘટના સમયે લિવ ઈન પાર્ટનર મળી આવ્યો નહતો. તેમજ મૃતદેહ નજીકથી આપત્તિજનક સામગ્રી મળી આવી હોવાથી તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.
આ અંગે પલસાણા PI બીડી ઝીલરીયાએ જણાવ્યું કે, આજે સવારે 9 કલાકે કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો. જેમાં બગુમરા ખાતે મહાદેવ પેલેસમાં રહેતી એક યુવતીએ સ્યુસાઈડ કર્યું હોવાનું જણાવાયું હતુ. આથી મેસેજના આધારે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા મેહવીશ ખાતુન અલી નામની યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે.
હાલ તો પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલી રહી છે, જેના રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સામે આવશે. અત્યારે તો પોલીસની અલગ-અલગ ટીમોએ ફરાર થઈ ગયેલા મૃતકના લીવ ઈન પાર્ટનર યુવકની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
