Surat: ભાજપના રાજ્યસભા સાંસદ રાધામોહનદાસ અગ્રવાલે ઈન્દિરા ગાંધી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેમાં તેઓએ ગાંધી પરિવારને 'ફરજી ગાંધી પરિવાર' કહેતા સુરત કોંગ્રેસ ભડક્યું છે. આ મામલે સુરત કોંગ્રેસે ભાજપ સાંસદ વિરુદ્ધ પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે.
આ અંગે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા કલ્પેશ બારોટે જણાવ્યું કે, ગત 14 ફેબ્રુઆરીના રોજ રાજ્યસભા સાંસદ રાધામોહનદાસ અગ્રવાલ સુરતની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં ઈન્દિરા ગાંધી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના પરિવારને ફરજી ગાંધી પરિવાર કહ્યા હતા.
આટલું જ નહીં, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી મહાકુંભમાં જવાના છે, તેને લઈને પણ ભાજપ સાંસદે જણાવ્યું હતું કે, તેઓએ એટલા બધા પાપ કર્યા છે. માઁ ગંગાની પણ એક મર્યાદા છે. માત્ર ગાંધી નામ રાખવાથી કોઈ ગાંધી નથી બની જતું. આ ફરજી ગાંધી પરિવારના પાપ એટલા વધુ છે કે, ગંગા -યમુના તેમને કેવી રીતે ધોઈ શકશે.
આ લોકો મહાકુંભમાંથી પાપ ધોઈને આવશે અને ફરીથી પાછા પાપ કરવા લાશે. જો તેઓ એવા ઉદ્દેશ્યથી મહાકુંભ જઈ રહ્યા છે કે, ત્યાં તેમના પાપ ધોવાઈ જશે, તો તેમનો ભ્રમ છે. તેઓની આદત જ પાપ કરવાની છે.
વધુમાં કલ્પેશ બારોટે જણાવ્યું કે, એકતરફ કેન્દ્ર સરકાર એવું કહે છે કે, મહાકુંભમાં 50 કરોડ હિન્દુઓએ સ્નાન કર્યું, તો શું તે તમામ હિન્દુઓ પાપી હતી. શું અમારે ભાજપ સાંસદનું સર્ટીફિકેટ જોઈશે. રાધામોહનદાસ સત્તાના મદમાં આવીને બેફામ ઉચ્ચાર કરીને સમગ્ર હિન્દુઓનું અપમાન કરે છે. આ મામલે અમે પોલીસ કમિશનરને રાજ્યસભાના સાસંદ વિરુદ્ધ ગુનો દાખલ કરવા રજૂઆત કરી છે.
