Surat: સુરત જિલ્લાના બારડોલીમાં પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને લોકો પર રોફ જમાવનાર નકલી પોલીસને અસલી પોલીસે ઝડપીને જેલમાં ધકેલ્યો છે.
હકીકતમાં બારડોલી ટાઉન પોલીસે બાતમીના આધારે ઈસરોલી ગામની સીમમાં આવેલ ત્રણ વલ્લા બ્રિજ પરથી નકલી પોલીસ બનીને સીનસપાટા કરતા ગઠિયાને ઝડપી પાડ્યો હતો.
પોલીસ પૂછપરછમાં આરોપીની ઓળખ ઈન્દ્રજીતસિંહ ખુમાનસિંહ રાજપૂત (45) તરીકે થઈ છે, જે સુરતના ચલથાણ વિસ્તામાં રહેતો હતો. ઈન્દ્રજીત પોતાની કારમાં પોલીસ લખેલી પ્લેટ રાખતો હતો. તેની પાસેથી પોલીસ પાસે હોય તેવી લાઠી પણ મળી આવી છે.
બારડોલી ટાઉન પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપી ઈન્દ્રજીત ભારત સરકારના કોઈ પણ વિભાગના કર્મચારી કે અધિકારી તરીકેનો હોદ્દો ધરાવતો નથી. આમ છતાં તે પોલીસ કર્મચારી તરીકે પોતાની ખોટી ઓળખ આપતો હતો. ઈન્દ્રજીતે પોલીસ વાપરે તેવી લાઠી બતાવીને શાકીરખાન બિસ્મિલ્લા હુસૈન નામના વ્યક્તિ સાથે બોલાચાલી કરીને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો.
આટલું જ નહીં, આરોપીએ પોતાની બેલેનો કારમાં આગળના ડેસબોર્ડ પર પોતે પોલીસ કર્મચારી હોય તેવી ઓળખ ધરાવતી પોલીસ લખેલી પ્લેટ પણ રાખી હતી. હાલ તો પોલીસે ઈન્દ્રજીત વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
