Vadodara: ભારત-ન્યૂઝીલેન્ડ મુકાબલામાં ટિકિટ મુદ્દે વિવાદ, સતત બીજા દિવસે ગણતરીની મિનિટોમાં ટિકિટો સોલ્ડ આઉટ

ગુરુવારે 9,879 અને શુક્રવારે 6,640 એમ કુલ 16,719 ટિકિટો જ સામાન્ય ક્રિકેટ ચાહકો માટે ઓનલાઇન ઉપલબ્ધ રાખવામાં આવી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 02 Jan 2026 04:30 PM (IST)Updated: Fri, 02 Jan 2026 04:30 PM (IST)
vadodara-news-controversy-over-ticket-issue-in-india-vs-new-zealand-cricket-match
HIGHLIGHTS
  • 11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ઈન્ટરનેશનલ ક્રિકેટ
  • બરોડા ક્રિકેટ એસોસિએશનના આયોજન સામે ચાહકોમાં રોષ

ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ આ ઉત્સાહ વચ્ચે ટિકિટ વ્યવસ્થાને લઈને Baroda Cricket Association (BCA)ના આયોજન સામે સતત બીજા દિવસે પણ ચાહકોમાં નિરાશા અને રોષ ફાટી નીકળ્યો છે. ઓનલાઇન ટિકિટ બુકિંગ ગણતરીની મિનિટોમાં ‘સોલ્ડ આઉટ’ બતાવાતા અનેક સવાલો ઊભા થયા છે.

આ હાઈ-પ્રોફાઇલ મેચ માટે BCA દ્વારા રૂ.1,000, રૂ.2,000, ₹5,000 અને રૂ.7,500ની ટિકિટો નક્કી કરવામાં આવી હતી. ગુરુવારે સવારે 11 વાગ્યે ઓનલાઇન બુકિંગ શરૂ થતાં જ ઘણા ક્રિકેટ રસિકોને ‘સીટ નોટ સિલેક્ટેડ ડ્યુ ટુ ફુલ’ જેવા મેસેજ જોવા મળ્યા હતા.

બીજા દિવસે શુક્રવારે પણ એ જ સમયે બુકિંગ શરૂ થયું, પરંતુ હજારો ચાહકો મોબાઇલ અને લેપટોપ સાથે તૈયાર હોવા છતાં ગણતરીની મિનિટોમાં ફરી ટિકિટ સોલ્ડ આઉટ બતાવવામાં આવી, જેને કારણે ચાહકોમાં ભારે અસંતોષ ફેલાયો.

BCA દ્વારા અગાઉ એવો દાવો કરવામાં આવ્યો હતો કે અંદાજે 33 હજાર જેટલી ટિકિટો વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. જોકે મળતી માહિતી મુજબ ગુરુવારે 9,879 અને શુક્રવારે 6,640 એમ કુલ 16,719 ટિકિટો જ સામાન્ય ક્રિકેટ ચાહકો માટે ઓનલાઇન ઉપલબ્ધ રાખવામાં આવી છે. જ્યારે 33 હજાર બેઠક ક્ષમતા ધરાવતા સ્ટેડિયમની મોટી સંખ્યામાં ટિકિટો કોર્પોરેટ બોક્સ, BCCI અને BCAના સભ્યો તેમજ ખાસ આમંત્રિત મહેમાનો માટે રાખવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ટિકિટ ન મળતા ક્રિકેટપ્રેમીઓમાં રોષ વધી રહ્યો છે. ગત રોજ વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા BCA હાઉસ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. વિરોધકારીઓએ પારદર્શક ટિકિટ વ્યવસ્થા અમલમાં મૂકવાની સાથે સ્થાનિક સ્તરે ઓફલાઇન ટિકિટ વેચાણ શરૂ કરવાની માંગ ઉઠાવી હતી.

એક તરફ ભારત–ન્યુઝીલેન્ડ જેવી પ્રતિષ્ઠિત મેચને લઈને વડોદરામાં ઉત્સવ જેવી લાગણી છે, ત્યારે બીજી તરફ BCAના અણઘડ આયોજન અને અસ્પષ્ટ ટિકિટ નીતિના કારણે સાચા ક્રિકેટ ચાહકો નિરાશ થવા મજબૂર બન્યા છે. હવે આ મામલે BCA શું પગલાં લે છે તે તરફ સૌની નજર મંડાઈ છે.