Surat News: સુરતના બારડોલી તાલુકાના ઉવા ગામ પાસે શ્રમજીવી પરિવારના 6 સભ્યોને નહેરમાં ફેંકી દેવાનો બનાવ બન્યો હતો. જેમાં પોલીસને અગાઉ ત્રણ મૃતદેહ મળ્યા હતા અને એક બાળક બચી ગયો હતો. જ્યારે બે લાપતા હતા તેમની શોધખોળ ચાલી રહી હતી. જે દરમિયાન આજે એક મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે હજી એક લાપતા બાળકની શોધખોળ ચાલી રહી છે.
નહેરમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો
પ્રાપ્ત વિગત અનુસાર, ફાયર વિભાગના જવાનોએ પ્રથમેશ પાટીલનો મૃતદેહ નહેરમાંથી બહાર કાઢ્યો હતો, જેને પરિવારે ઓળખી બતાવ્યો હતો. આ સાથે અત્યાર સુધીમાં ચાર મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે પરિવારનો 15 વર્ષીય દોહિત્ર હરીશ સંજય પાટીલ હજુ પણ લાપતા છે. બીજી તરફ, મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજને બારડોલીના પોલીસ અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને તપાસની વિગતો મેળવી હતી. પોલીસે આ કેસમાં એક આરોપી ડાયમંડ ઉર્ફે ખંડીયો સંભાજી ભદાણે (ઉ.વ. 34)ની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે.
શું હતી ઘટના
મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાનો પરિવાર કવિતાબાઈ , કવિતા બાઈના બીજા પતી નીતિનભાઈ ઉર્ફે ભુરીયા, કવિતાબાઈનો 2 વર્ષનો પુત્ર પ્રથમેસ, 16 વર્ષીય પુત્ર હરીશ સંજય પાટીલ, 13 વર્ષીય પુત્ર કરણ સંજય પાટીલ અને 9 વર્ષીય પુત્રી સ્વીટી સંજય પાટીલ સાથે રહેતા હતા. તેઓ ગત શનિવારે તમામ કારમાં બેસીને સુરત મજુરી કામ માટે આવી રહ્યા હતા. દરમ્યાન ઇકો ગાડીનો ચાલક આભો અને તેની સાથે બંટી નામનો શખ્સ સામેલ હતો.
રસ્તામાં ગેસ પુરાવ્યા બાદ પાછળથી આવેલી અન્ય ગાડીમાં બાળકના માતા પિતા અને એક પુત્રને બેસાડ્યા હતા અને બાદમાં સેજવાડ ગામની સીમમાંથી પસાર થતી કાંકરાપાર ડાબા કાંઠા મુખ્ય નહેર પાસે અટકાવી પરિવારને નહેરમાં ફેંકી દેવામાં આવ્યા હતા. આ દરમ્યાન એક બાળકના હાથમાં નહેરમાં રહેલી પાઈપ આવી જતા તે તરીને બાહર આવી ગયો હતો.
નહેરમાંથી બહાર આવ્યા બાદ બાળક પેટ્રોલ પંપ પર પહોચ્યો હતો જે બાદ આ સમગ્ર મામલે પોલીસને જાણ થઇ હતી. પોલીસે તપાસ હાથ ધરતા કવિતાબાઈ તેમના પતી નીતિનભાઈ ઉર્ફે ભુરીયા અને 9 વર્ષીય પુત્રી સ્વીટીનો મૃતદેહ મળી આવ્યો હતો જયારે બે બાળકો 15 વર્ષીય હરીશ સંજય પાટીલ અને 2 વર્ષીય પ્રથમેશ સંજય પાટીલના મૃતદેહ મળ્યા ન હતા. દરમ્યાન આજે ફાયરના જવાનોએ પ્રથમેશ પાટીલનો મૃતદેહ નહેરમાંથી બહાર કાઢ્યો હતો. આ મામલે વધુ તાપસ હાથ ધરવામાં આવી રહી છે.
