Surat Crime News: સુરત જિલ્લામાં બારડોલી તાલુકામાં કકરાપાર નહેર પાસે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના એક પરિવારને નહેરમાં ફેંકી દેવાની ચકચારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં માતા પિતા અને એક પુત્રીનો મૃતદેહ મળી આવ્યો છે. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં એક નાનો બાળક તરીને નહેરની બહાર નીકળી જતા તેનો બચાવ થયો છે.
મહારાષ્ટ્રના પરિવાર સુરત મજૂરી માટે આવતો હતો
મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાનો પરિવાર કવિતાબાઈ (ઉ.45), કવિતા બાઈના બીજા પતિ નીતિનભાઈ ઉર્ફે ભુરીયા, કવિતાબાઈનો 2 વર્ષનો પુત્ર પ્રથમેસ, 16 વર્ષીય પુત્ર હરીશ સંજય પાટીલ, 13 વર્ષીય પુત્ર કરણ સંજય પાટીલ અને 9 વર્ષીય પુત્રી સ્વીટી સંજય પાટીલ સાથે રહેતા હતા તેઓ ગત શનિવારે તમામ કારમાં બેસીને સુરત મજૂરી કામ માટે આવી રહ્યા હતા. દરમ્યાન ઇકો ગાડીનો ચાલક આભો અને તેની સાથે બંટી નામનો શખ્સ સામેલ હતો.
રસ્તામાં ગેસ પૂરાવ્યા બાદ પાછળથી આવેલી અન્ય ગાડીમાં બાળકના માતા પિતા અને એક પુત્રને બેસાડ્યા હતા. ત્યારબાદ સેજવાડ ગામની સીમમાંથી પસાર થતી કાંકરાપાર ડાબા કાંઠા મુખ્ય નહેર પાસે અટકાવી પરિવારને નહેરમાં ફેંકી દેવામાં આવ્યા હતા.
આ દરમ્યાન એક બાળકના હાથમાં નહેરમાં રહેલી પાઈપ આવી જતાં તે તરીને બહાર આવી ગયો હતો. જે બાદ તે પેટ્રોલ પંપ પર પહોચ્યો હતો. પછી સમગ્ર મામલે પોલીસને જાણ થઈ હતી.
પરિવારને નહેરમાં ફેંકી દેવાયો, 3ના મોત
પોલીસે તપાસ હાથ ધરતા મહિલા કવિતાબાઈ, તેમના પતિ નીતિનભાઈ ઉર્ફે ભુરિયા અને નવ વર્ષની પુત્રી સ્વિટીનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે બીજી બાજુ બે બાળકો હરીશ સંજય પાટીલ (ઉં.15 વર્ષ) અને પ્રથમેશ સંજય પાટીલ (ઉ. 2 વર્ષ)ના મૃતદેહ હજુ સુધી મળ્યા નથી.
લાપતા બાળકોની શોધખોળ માટે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા નહેરમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે, તેમજ નહેર આગળ નવસારી ગ્રામ્ય અને જલાલપોર વિસ્તાર તરફ જતી હોવાથી સંબંધિત પોલીસ મથકો સાથે સંકલન સાધવામાં આવ્યું છે.
મહારાષ્ટ્ર પોલીસને જાણ કરાતા મહારાષ્ટ્ર પોલીસ પણ સુરત જિલ્લા પોલીસ સાથે તપાસમાં જોડાઈ છે. સુરત ગ્રામ્ય પોલીસની એલસીબી, એસઓજી અને ટેકનિકલ ટીમ સહિત વિવિધ ટીમોએ આરોપીઓને ઝડપી પાડવા મહારાષ્ટ્રમાં ધામા નાખ્યા છે, તેમજ જૂની ઓળખાણ, અદાવત કે અન્ય કોઈ કારણસર આ ઘટના બની તે દિશામાં તપાસ ચાલી રહી છે. આ ઘટનામાં જીવ બચાવી બહાર આવેલા 13 વર્ષીય બાળકની પૂછપરછ પોલીસ માટે મહત્વની કડી બની છે.
બચી ગયેલા બાળકે કરી આરોપીની ઓળખ
બાળકને માત્ર મરાઠી ભાષા આવડતી હોવાથી સુરત ગ્રામ્ય પોલીસમાં મરાઠી ભાષા જાણતા પોલીસ જવાનો દ્વારા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જે દરમિયાન બાળક એક આરોપીને ઓળખી ગયો હોવાનું જાણવા મળ્યું છે. સુરત જિલ્લા એસપી રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, આ ગંભીર ઘટના બાબતે બારડોલી રૂરલ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે, રવિવારના રોજ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.
112 જન રક્ષક ગાડીને મેસેજ મળેલો કે, એક બાળક ભિંજાયેલી સ્થિતિમાં મળ્યો છે. આથી તાત્કાલિક બાળકને પોલીસ મથકે લાવીને તેનું કાઉન્સિલિંગ કરીને પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે જણાવ્યું કે, તે અને તેના માતા-પિતા અને 4 ભાઈ-બહેન મહારાષ્ટ્રના જલગાંવથી સુરત ખાતે મજૂરીએ આવી રહ્યા હતા. એક પરીચિત પણ તેમની સાથે હતા. ઉપરાંત બીજી એક ગાડી આવી હતી.
પોલીસે પુરાવા એકત્ર કરી ગુનો નોંધ્યો
ગાડીમાં બાળકના માતા-પિતા અને નાના 2 વર્ષના પુત્રને બેસાડવામાં આવ્યા હતા. જ્યારે તે પછી આવેલી બીજી ગાડીમાં બાળક અને તેના ભાઈ બહેનને લઈ જવાયા હતા. ત્યારબાદ બાળક અને તેના ભાઈ-બહેનને ઉકાઇ ડાબા કાંઠાની કેનાલમાં ફેંકી દેવામાં આવ્યા હતા. પરંતુ સદનસીબે આ બાળક તરીને બહાર નીકળી આવ્યો હતો. હાલ સમગ્ર મામલો ખૂબ જ ગંભીર હોવાથી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે જઈને પુરાવાઓ એકત્ર કર્યા છે. અને ગુનો નોંધ્યો છે.
કેનાલમાં 2 બાળકોની શોધખોળ ચાલુ
એસપી રાજેશ ગઢિયાએ વધુ જણાવ્યું કે, પરિવારના સભ્યોની શોધખોળ કરવા માટે કેનાલમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં આગળ મહુવા વિસ્તારની અંદર અલગ અલગ સમયે મૃતદેહો મળ્યા છે. આમાં બાળકના માતા-પિતા, નાની બહેનનો મૃતદેહ મળ્યો છે. આ કેનાલ આગળ નવસારી સુધી જાય છે.
અમે ત્યાંના અધિકારીઓના સંપર્કમાં છીએ. તેમજ સિંચાઈ વિભાગનો સંપર્ક સાધ્યો છે. જેથી હજુ પણ બે બાળકો લાપતા છે. તેમની ભાળ મળી શકે. આ બાળક તેની સાથે આવેલા વ્યક્તિને ઓળખે છે. આથી તેમનું નામ ફરિયાદમાં છે. પરંતુ અમુક ઇસમો અજાણ્યા છે.
આરોપીઓને પકડવા પોલીસનો ધમધમાટ
આ ગુનાનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ 6 ટીમો બનાવવામાં આવી છે. દરેક ટીમોની અંદર 10 સભ્યો છે તેમાં હ્યુમન ઈન્ટેલિજેન્સ, ટેક્નિકલ સહિતની ટીમો તમામ દિશામાં તપાસ કામગીરી કરી રહી છે. આરોપીઓને સત્વરે પકડીને આ કૃત્ય આચરવા પાછળ શું ઉદ્દેશ્ય છે. તેની ઉેડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.
હાલ બાળક અને તેમના મહારાષ્ટ્રના અન્ય સગા સબંધીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે, પરિવારના સભ્યો આરોપીઓને ઓળખતા હતા. એક આરોપી અવારનવાર પરિવારના ઘરે આવતો જતો હતો. જ્યારે સંડોવાયેલા આરોપીઓ વિશે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
