Surat News: કોઈ કારણસર નિયમિત અભ્યાસ કરી શક્યા ન હોય અથવા અધવચ્ચે શિક્ષણ છોડી દીધું હોય તેવા વિદ્યાર્થીઓને ફરી અભ્યાસ કરવાની તક મળી રહે તે માટે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલની ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજવામાં આવે છે. આ વર્ષે સુરત શહેર અને જિલ્લામાંથી કુલ 5,031 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધાયા છે, આગામી 30 નવેમ્બરથી 9 ડિસેમ્બર, 2026 દરમિયાન આ પરીક્ષા લેવામાં આવશે.
વિદ્યાર્થીઓને પોતાનો અધૂરો અભ્યાસ પૂર્ણ કરવાની તક
આ પણ વાંચો
દરેક બાળક શિક્ષણથી વંચિત ન રહે તે હેતુથી સુરત શહેર અને જિલ્લામાં વિવિધ સર્વે સહિતના પ્રયાસો કરવામાં આવે છે. આ જ દિશામાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષા ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ તક પૂરી પાડે છે, જેઓ અગાઉ કોઈ કારણસર અભ્યાસ છોડી ચૂક્યા છે અને હવે ફરી શિક્ષણ મેળવી ઉચ્ચ અભ્યાસ તરફ આગળ વધવા ઇચ્છે છે. ઓપન સ્કૂલની વ્યવસ્થાથી આવા વિદ્યાર્થીઓને પોતાનો અધૂરો અભ્યાસ પૂર્ણ કરવાની તક મળે છે.
સુરત શહેર અને જિલ્લામાંથી કુલ 5,031 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
આ વર્ષે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ધોરણ 10ની પરીક્ષા માટે કુલ 3,340 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં સુરત શહેરના 2,115 અને ગ્રામ્ય વિસ્તારના 1,225 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. બીજી તરફ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 1,691 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેમાં સુરત શહેરના 1,167 અને ગ્રામ્ય વિસ્તારના 524 વિદ્યાર્થીઓ નોંધાયા છે. આમ, બંને ધોરણ મળીને સુરત શહેર અને જિલ્લામાંથી કુલ 5,031 વિદ્યાર્થીઓ ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલની પરીક્ષામાં આપશે
45 બિલ્ડિંગમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવશે
પરીક્ષામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લેવાના હોવાથી સુરત શહેર અને જિલ્લામાં કુલ 45 બિલ્ડિંગમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ 30 નવેમ્બરથી થશે. પ્રથમ દિવસે બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત વિષયની પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ પરીક્ષાનો સિલસિલો 9 ડિસેમ્બર, 2026 સુધી ચાલુ રહેશે. આ પરીક્ષા અભ્યાસથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને ફરી શૈક્ષણિક પ્રવાહમાં જોડાવા અને આગળના અભ્યાસ માટેનો માર્ગ મોકળો કરવાની તક પૂરી પાડશે.
