Surat: દિવાળીના તહેવારો દરમિયાન પોતાના સ્વજનને ગુમાવનાર પરિવારના સભ્ય સાથે અશ્વિનીકુમાર સ્મશાનગૃહના કર્મચારીએ તોછડું વર્તન કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પૂણાગામની મહિલાના અગ્નિસંસ્કાર માટે ગયેલા પરિવારના સભ્ય સાથે સ્મશાનગૃહના કર્મચારીએ જીભાજોડી કરી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના પૂણાગામ ખાતે રહેતા મીનાબેન રાઠોડ નામની મહિલાનું અવસાન થયું હતુ. જેથી પરિવારના સભ્યો દિવાળીના દિવસે અગ્નિસંસ્કાર માટે અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં લઈ આવ્યા હતા.
જ્યાં ફરજ બજાવતા કર્મચારીએ માનવતા નેવે મૂકી હોય તેમ મૃતકના પરિવારના સભ્યોને જણાવી દીધુ હતું કે, દિવાળીના સમયે બધાના ઘરે મહેમાનો આવતા હોય, તેવા સમયે તમે બૉડી લઈને આવો અને પછી ઉતાવળ કરો છે.
જ્યારે મૃતકના પરિવારના સભ્યએ જણાવ્યું કે, મીનાબેનને અંતિમ સંસ્કાર માટે અમે અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં લઈને આવ્યા હતા. જ્યાં ફરજ પરના કર્મચારી ચોપડો લઈને બેઠા હોવા છતાં અને કહ્યું કે, આજે દિવાળી હોવાથી બધાને રજાનો દિવસ છે. આથી તમે બૉડી લઈને કેમ આવ્યા છો. આજે તમારો દિવસ ખરાબ થાય છે, તો તમે અમારો પણ દિવસ ખરાબ કરો છે.
આજે અમે દિવાળી ઉજવવાના નથી? કહી અમને બે કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા અને અમારી બૉડી લેવામાં નહતી આવી. સ્મશાનગૃહના કર્મચારીએ રજાના દિવસે આવ્યા હોવાનું કહી અમને સમય આપી દીધો. તો શું હવે અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે અમારે સમય લઈને આવવું પડશે?
સ્મશાનના કર્મચારી અને મૃતકના પરિવારજનનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્મશાનનો કર્મચારી કહી રહ્યો છે કે, દિવાળીના દિવસે ઉતાવળ જ નહીં કરવાની. અહીં લખવાવાળા માણસો જ નથી. યમરાજ સાથે મારે શું લેવાદેવા?
