Surat: સંજીવકુમાર નાટ્ય સ્પર્ધામાં નવા નિયમો અમલી થતાં કલાકારોમાં રોષ, હવેથી સ્ક્રિપ્ટ ફાઈનલ થયા બાદ કોઈ ફેરફાર નહીં થાય

રંગમંચના કલાકારોને કોઈ અચાનક બિમારી, કૌટુંબિક પ્રસંગ અથવા અન્ય કોઈ અનિવાર્ય કારણસર રિહર્સલ અથવા શોમાં હાજર રહેવામાં મુશ્કેલી પડી શકે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 18 Sep 2025 04:42 PM (IST)Updated: Thu, 18 Sep 2025 04:42 PM (IST)
surat-news-actors-oppose-new-rule-for-sanjeevkumar-natya-spardha
HIGHLIGHTS
  • મનપાના સાંસ્કૃતિક વિભાગ દ્વાર 56 વર્ષથી નાટ્ય સ્પર્ધા યોજાય છે
  • આ વર્ષે સંજીવકુમાર નાટ્ય સ્પર્ધામાં 9 નાટ્ય સંસ્થાઓએ નામ નોંધાવ્યા

Surat: સુરતના નાટ્ય કલાકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે સુરતમાં યોજાતી સંજીવકુમાર નાટ્ય સ્પર્ધામાં આ વર્ષે નવા નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે. નવા નિયમ મુજબ સ્પર્ધામાં ભાગ લેનારી સંસ્થા એકવાર નાટકનું નામ અને સ્ક્રિપ્ટ ફાઇનલ થયા બાદ તેમાં કોઈ ફેરફાર કરી શકશે નહીં.

છેલ્લા 56 વર્ષથી સુરતમાં નિયમિતપણે યોજાતી પ્રતિષ્ઠિત સંજીવકુમાર નાટ્ય સ્પર્ધા મ્યુનિસિપલ કોર્પોરેશનના સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવે છે. જો કે આ વર્ષે વિભાગ દ્વારા લાગુ કરાયેલા નવા અને અચાનક બદલાયેલા નિયમોને કારણે કલાકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અત્યાર સુધીમાં નવ જેટલી નાટ્ય સંસ્થાઓએ નામ નોંધાવ્યા છે. નવા નિયમ મુજબ, સ્પર્ધામાં ભાગ લેનારી સંસ્થા એક વાર નાટકનું નામ અને સ્ક્રિપ્ટ ફાઇનલ થયા બાદ તેમાં કોઈ ફેરફાર કરી શકશે નહીં.

કલાકારોના જણાવ્યા મુજબ, 56 વર્ષના ઇતિહાસમાં આવો કોઈ નિયમ ક્યારેય હતો જ નહીં. કલાકારોના મતે આ નિયમ તદ્દન અવ્યવહારુ છે. રંગમંચના કલાકારોને કોઈ અચાનક બિમારી, કૌટુંબિક પ્રસંગ અથવા અન્ય કોઈ અનિવાર્ય કારણસર રિહર્સલ અથવા શોમાં હાજર રહેવામાં મુશ્કેલી પડી શકે છે. આવા સંજોગોમાં, સંસ્થાએ નાટક બદલવું પડે અથવા સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવો પડે તે સ્વાભાવિક છે.

આ અંગે વિશાલભાઈ જરીવાલાએ જણાવ્યું કે, હું છેલ્લા 20 વર્ષથી નાટ્ય પ્રવૃતિ સાથે જોડાયેલો છું. દરેક કલાકાર નાટક ભજવવા માટે જ આવે છે, એ લોકોને કોઈ પોલિટિક્સ આવડતું નથી. જો કે ખબર નહી કેમ છેલ્લા બે ત્રણ વર્ષથી આ બધા પોલિટિક્સ કેમ ઉભા કરવામાં આવે છે.

કલાકારોને નિયમો બતાવી બતાવીને દરેક વસ્તુમાં સાઈડ કરવામાં આવે છે. આ વખતે સ્ક્રીપ્ટ બદલી ન શકો એવો નિયમ લાવવામાં આવ્યો છે. આ નિયમને લઈને કલાકારોની હેરાનગતિ કરવામાં આવે છે. જયારે મહિના દોઢ મહિના પહેલા મળેલી બેઠકની અંદર સંસ્થા અને કલાકારોને કહેવામાં આવ્યું હતું કે, તમે નાટક બદલી શકો છો. જો કે હવે દોઢ મહિના પછી એમ કહેવા આવે છે કે, તમે નાટક ભજવી શકશો નહી. જેના કારણે કલાકારો ગુંચવાય છે કે કમર્ચારીઓ ગૂંચવાઈ છે એ ખબર જ પડતી નથી.