Kinjal Dave: નવરાત્રિ પૂર્વે 'ગરબા ક્વિન' કિંજલ દવેને ફટકો, 'ચાર-ચાર બંગડીવાળી ગાડી' ગીત ગાવા પરનો સ્ટે 4 નવેમ્બર સુધી લંબાવાયો

અગાઉ ગીત પર પ્રતિબંધ છતાં કિંજલ દવેએ નવરાત્રિમાં ચાર-ચાર બંગડીવાળી ગીત પર લાઈવ પરફોર્મ કર્યું હતુ. એ સમયે કોર્ટ દ્વારા કોર્ટના તિરસ્કાર બદલ ગાયિકાને રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો હતો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 18 Sep 2025 04:26 PM (IST)Updated: Thu, 18 Sep 2025 04:26 PM (IST)
ahmedabad-news-high-court-extends-stay-in-gujarati-singer-kinjal-dave-copyright-case-for-char-char-bangdi-vadi-gadi-song
HIGHLIGHTS
  • નવરાત્રિમાં કિંજલ દવે 'ચાર-ચાર બંગડીવાળી' ગીત પર પરફોર્મ નહીં કરી શકે
  • કૉપીરાઈટ કેસમાં ડિસેમ્બર મહિનામાં સુનાવણી થવાની શક્યતા

Kinjal Dave Song Copyright Case: ગુજરાતીમાં નવરાત્રિ આડે હવે ગણતરીના દિવસો બચ્યા છે, ત્યારે 'ગરબા ક્વિન' કિંજલ દવે માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં ગુજરાત હાઈકોર્ટે સ્ટે લંબાવતા કિંજલ દવે નવરાત્રિમાં લોકપ્રિય ગીત 'ચાર-ચાર બંગડીવાળી' સ્ટેજ પરથી નહીં ગાઈ શકે.

હકીકતમાં 'ચાર-ચાર બંગડીવાળી' કૉપીરાઈટ કેસમાં નીચલી કોર્ટના ચુકાદા સામે રેડ રિબન એન્ટટેઈનમેન્ટ દ્વારા હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કિંજલ જવે દ્વારા આ ગીતને જાહેર મંચ પરથી ગાવા અને પરફોર્મ કરવા મુદ્દે સ્ટે યથાવત રાખ્યો હતો.

અગાઉ છેલ્લી સુનાવણી દરમિયાન ગીત પરનો સ્ટે હટાવી દેવામાં આવ્યો હતો. જો કે રેડ રિબન દ્વારા અપીલમાં જવાની તૈયારી દર્શાવી 8 સપ્તાહ સુધી સ્ટે લંબાવવાની માંગ કરવામાં આવી હતી. જેના પરિણામે હાઈકોર્ટ દ્વારા સ્ટે લંબાવવામાં આવતા આગામી 4 નવેમ્બર સુધી ગીત પરનો સ્ટે યથાવત રહેશે. એટલે કે આગામી 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન યોજાનારી નવરાત્રિ દરમિયાન કિંજલ દવે 'ચાર-ચાર બંગડીવાળી' ગીત ગાઈ કે તેના પર પરફોર્મ નહીં કરી શકે. આ મામલે હવે ફાઈનલ સુનાવણી ડિસેમ્બર મહિનામાં યોજાઈ શકે છે.

શું છે સમગ્ર મામલો? (Kinjal Dave Copyright Case)

હકીકતમાં 2015-16માં 'ચાર-ચાર બંગડીવાળી ગાડી' ગીત ગાવા સાથે જ કિંજલ દવે સમગ્ર દેશ તેમજ વિદેશોમાં છવાઈ ગઈ હતી. કિંજલ દવેએ આ ગીતને ગ્લોબલ બનાવી દીધુ હતુ. આ ગીતમાં જે પ્રકારે કિંજલ પોતાના નાના ભાઈ માટે ચાર-ચાર બંગડી વાળી ઑડી (ગાડી) લઈ આપવાની વાત કરે છે, તે સૌને પસંદ પડી હતી.

આ ગીત લોકપ્રિય થતાં 2019માં રેડ રિબન એન્ટરટેઈનમેન્ટ દ્વારા અમદાવાદની સિવિલ કોર્ટમાં ગાયિકા કિંજલ દવે, RDC મીડિયા અને સરસ્વતી સ્ટૂડિયો સામે કોપીરાઈટનો કેસ કર્યો હતો. મૂળ ગુજરાતી અને ઑસ્ટ્રેલિયા સ્થાયી થયેલ 'કાઠિવાડી કિંગ' નામે ઓળખાતા કાર્તિક પટેલે દાવો કર્યો હતો કે, 'ચાર-ચાર બંગડીવાળી ગાડી' ગીત તેમણે લખ્યું છે. જેમાં સામાન્ય ફેરફાર કરીને કિંજલ દવે દ્વારા ફરીથી રજૂ કરવામાં આવ્યું છે.

આથી કોર્ટ દ્વારા કૉપીરાઈટ ભંગના કેસને ગ્રાહ્ય રાખીને 'ચાર-ચાર બંગડીવાળી ગાડી' ગીતને યુ-ટ્યુબ સહિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી હટાવી લેવાનો તેમજ જાહેર કાર્યક્રમોમાં આ ગીત પર પરફોર્મ નહીં કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

અદાલતના આદેશના તિરસ્કાર બદલ કિંજલ દવેને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

સિવિલ કોર્ટ દ્વારા આ ગીત ગાવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવા છતા ગત વર્ષે જ કિંજલ દવે દ્વારા નવરાત્રિમાં તેમજ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા સહિતના દેશોમાં પોતાના લાઈવ પર્ફોમન્સમાં ગાતા રેડ રિબન એન્ટરટેઈનમેન્ટ દ્વારા કોર્ટના આદેશનો અનાદર કરવા બદલ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણીમાં કોર્ટે રૂ. 1 લાખનો દંડ વાદીને એક સપ્તાહમાં ચૂકવવાનો હુકમ કર્યો હતો.