લસકાણામાં ચાલુ ક્રેનમાંથી ઉછળીને નીચે પટકાયેલો શ્રમિક તોતિંગ ટાયર હેઠળ કચડાયો, રોડ પર માંસના લોચા વેરવિખેર થતાં અરેરાટી

ક્રેનના ભારેખમ ટાયર નીચે કચડાયેલો શ્રમિક રોડ પર 15 ફૂટ સુધી ઢસડાયો હતો. જેના કારણે રોડ પર માંસના લોચા નીકળીને વેરવિખેર થઈ જતાં અરેરાટી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 16 May 2026 06:05 PM (IST)Updated: Sat, 16 May 2026 06:05 PM (IST)
surat-news-a-worker-who-jumped-from-a-working-crane-in-laskana-died-after-being-crushed-under-a-rolling-tire
HIGHLIGHTS
  • અકસ્માત સર્જ્યા બાદ ક્રેનનો ચાલક ઘટના સ્થળે વાહન મૂકીને ફરાર

Surat Accident: શહેરના લસકાણા વિસ્તારમાં અકસ્માતનો એક કમકમાટીભર્યો બનાવ સામે આવ્યો છે. જેમાં રોડ પરથી પસાર થઈ રહેલી ક્રેનમાંથી નીચે પટકાયેલા શ્રમિક તોતિંગ ટાયર હેઠળ ચગદાઈ ગયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું ઘટના સ્થળે જ દર્દનાક મોત નીપજ્યું છે.

નીચે પટકાયેલા યુવક ક્રેનના ભારેખમ પૈડા નીચે 15 ફૂટ ઢસડાયો

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ બિહારનો વતની નરેન્દ્રકુમાર યાદવ સુરતમાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. આજે નરેન્દ્રકુમાર લસકાણા વિસ્તારમાંથી પસાર થતી ક્રેન ઉપર સવાર હતો.

આ દરમિયાન અકસ્માતે નરેન્દ્રકુમાર ઉછળીને નીચે રોડ પર પટકાયો હતો. આ સાથે જ ક્રેનનું ભારેખમ વ્હીલ તેના પર ફરી વળ્યું હતુ. આટલું જ નહીં, પૈડા સાથે નરેન્દ્રકુમાર રોડ પર 15 ફૂટ ઢસડાયો હતો.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે, રોડ પર માંસના લોચેલોચા ઉડ્યા હતા અને ઘટના સ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતુ. આ ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી.

આ ઘટનાની જાણ થતાં આવી પહોંચેલી લસકાણા પોલીસે નરેન્દ્રકુમારના શબને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બીજી તરફ અકસ્માત સર્જ્યા બાદ ક્રેનનો ડ્રાઈવર વાહન ઘટના સ્થળે છોડીને ફરાર થઈ ગયો હતો.

પોલીસ દ્વારા બિહારમાં રહેતા મૃતકના પરિવારજનોને આ દુઃખદ ઘટના અંગે ફોન પર જાણ કરવામાં આવતા જ પરિવારમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ લસકાણા પોલીસે અકસ્માત સર્જી ભાગી છૂટેલા ક્રેન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.