Surat News: સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં 71 વર્ષીય વૃદ્ધની ત્રણ ઈસમોએ હથોડીના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. વૃદ્ધ બાજુમાં આવેલી ખોલીમાં રહેતા ઈસમો જોરથી સ્પીકર વગાડતા હોય તેઓને ધીમેથી સ્પીકર વગાડવાનું સમજાવવા જતા બોલાચાલી અને ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા ત્રણેય ઈસમોએ વૃદ્ધને હથોડીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ બનાવમાં પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ, ઈચ્છાપોર પોલીસ મથકની હદમાં આવેલા ભટલાઈ ગામના પટેલ ફળિયુમાં રહેતા 71 વર્ષીય નગીનભાઈ વનમાળીભાઈ પટેલ તેમના રહેણાંકની બાજુમાં આવેલી તરુણભાઈની ખોલીમાં રહેતા માણસો જોરથી સ્પીકર વગાડતા હતા. આથી નવીનભાઈ તેઓને સ્પીકર ધીમે વગાડવાનું સમજાવવા ગયા હતા.
આ દરમ્યાન બોલાચાલી થતા ત્રણેય ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા અને બે ઈસમોએ નગીનભાઈને પકડી રાખીને એક ઇસમેં હથોડીથી વૃદ્ધના માથાના ભાગે મારતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા એટલું જ નહી વૃદ્ધને બચવવા ગયેલા પ્રબીર કુલ્ડીને પણ હથોડી માથામાં અને ખભા પર મારીને ઈજાગ્રસ્ત કર્યા હતા.
વૃદ્ધની હત્યા કર્યા બાદ આરોપીઓ વૃદ્ધની લાશને રૂમમાં પૂરીને તાળું મારીને ફરાર થઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ ઈચ્છાપોર પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી અને આરોપીઓ સુરત શહેર છોડીને ભાગે તે પહેલા જ બે આરોપીઓને ઈચ્છા પોર વિસ્તારમાંથી અને એક આરોપીને રેલ્વે સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યો હતો.
પકડાયેલા આરોપીની ઓળખ સુવેંદુ ગણેશ હોનાગા [ઉ.૨૬], શંકરસિંગ સીબુસિંગ [ઉ.૩૪] અને સંતુ ઉર્ફે સુપ્રિયો નરૂગોપાલ હોનાગા [ઉ.૨૬] તરીકે થઇ છે. ત્રણેય આરોપીઓ મૂળ પશ્વિમ બંગાળના વતની છે અને તેઓ સુરતમાં ઈચ્છાપોર અને હજીરા વિસ્તારની કંપનીમાં મજુરી કામ કરતા હતા. ઈચ્છાપોર પોલીસે ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
