Surat Bus Accident: બારડોલી નજીક બે બસો વચ્ચે ભીષણ ટક્કર બાદ CNG બસ ભડભડ સળગી ઉઠી, 7 મુસાફરોના મોત; 17 ઈજાગ્રસ્ત

ભીષણ ટક્કર બાદ એક બસમાં આગ ભભૂકી ઉઠી, જ્યારે બીજી બસના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 02 Jun 2026 05:44 PM (IST)Updated: Tue, 02 Jun 2026 10:18 PM (IST)
surat-news-5-passengers-died-due-to-two-bus-collied-neat-bardoli
HIGHLIGHTS
  • બારડોલી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે, આગના કારણે રેસ્ક્યુમાં હાલાકી

Surat Bus Accident: સુરત જિલ્લાના બારડોલી નજીક ઉવા ગામ નજીક બે બસો વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં મહારાષ્ટ્ર પાસિંગની બે બસો સામ-સામે ધડાકાભેર ભટકાઈ હતી.

બે બસો વચ્ચેની ટક્કર એટલી ભયાનક હતી કે, એક બસ પલટી મારી જતાં તેમાં આગ ભભૂકી ઉઠી હતી. આ બસ CNGથી સંચાલિત હોવાથી જોત-જોતામાં આખી બસ સળગી ઉઠતાં ઘટના સ્થળે અફરાતફરી અને ચીસાચીસ મચી જવા પામી હતી.

જ્યારે બીજી બસના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો છે. બસમાં લાગેલી અગનજ્વાળાઓના કારણે અંદર ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

હાઈવે પર અકસ્માત ગ્રસ્ત ટેન્કર સાથેની ટક્કર ખાળવા જતાં બસ અકસ્માત

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ઉવા ગામ નજીકથી પસાર થતાં હાઈવે પર એક ટેન્કર પલટી મારી ગયું હતુ. જેની પાછળ આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની સરકારી બસના ચાલકે અકસ્માતગ્રસ્ત ટેન્કર સાથેની ટક્કર ખાળવા જતાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેથી બેકાબુ બનેલી બસ ડિવાઈડર ઠેકીને રૉગ સાઈડમાં ઘુસી ગઈ હતી. જ્યાં સામેથી આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની બીજી બસ સાથે ધડાકાભેર ભટકાઈ હતી.

naidunia_image

આ ઘટનાની જાણ થતાં જ બારડોલી ફાયર વિભાગની ટીમો અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઇટરો દ્વારા બસમાં લાગેલી આગ પર કાબૂ મેળવવાની સાથે અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

naidunia_image

અત્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.આ ગંભીર અકસ્માતમાં 5 મુસાફરોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી છે. હાલની ગંભીર પરિસ્થિતિને જોતા મૃત્યુઆંક હજુ પણ વધે તેવી આશંકા સેવાઈ રહી છે.

અકસ્માતમાં 7 મુસાફરોના મોત, 24 ઈજાગ્રસ્ત

આ અંગે વિગતો આપતાં સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું કે, સાંજે 4 વાગ્યાની આસપાસ નેશનલ હાઈવે 53 પર બારડોલીના ઉવા ગામ નજીક મહારાષ્ટ્ર પાસિંગની બે બસો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેની જાણ થતાં બારડોલી ફાયર વિભાગની ટીમ ઉપરાંત મામલતદાર, SDM, SP સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ અકસ્માતમાં 7 મુસાફરોના મોત નીપજ્યા છે. જ્યારે 17 મુસાફરો ઈજાગ્રસ્ત છે. જેમને બારડોલી CHCમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે 7 મુસાફરોને સઘન સારવારની જરૂર જણાતાં તેઓને સુરત સિવિલમાં રીફર કરવામાં આવ્યા છે.

અત્યારે મૃતકોના પરિવારજનોને જાણ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ સંદર્ભે મહારાષ્ટ્રના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ સાથે પણ વાત થઈ ગઈ છે અને બન્ને બસોના નંબર પણ આપી દેવામાં આવ્યા છે.

મૃતદેહો સંપૂર્ણ બળી જતાં ઓળખવા મુશ્કેલ, DNA સેમ્પલ લેવામાં આવશે

આ અંગે ઈન્ચાર્જ સુપ્રીટેન્ડન્ટ ડૉ. તેજસ ચૌધરીએ જણાવ્યું કે, વ્યારા-ધુલિયા હાઈવે પર માણેકપોર નજીક 4 વાગ્યાની આસપાસ અકસ્માત થતાં 26 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે બારડોલી સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જે પૈકી 5ની હાલત ગંભીર જણાતા તેઓને સુરત સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે. જ્યારે 7 મૃતદેહોને પણ અહીં પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવ્યા છે.

આગના કારણે મૃતદેહો બળીને ભડથું થઈ જતાં ઓળખ કરવી મુશ્કેલ છે. મૃતકોની ઓળખ માટે DNA સેમ્પલ લેવામાં આવશે. તેમજ મૃતકોના સગા ના આવે, ત્યાં સુધી તમામ ડેડ બૉડી સ્ટોરેજમાં રખાશે. જે 7 મૃતકો મળી આવ્યા છે, તે તમામ 35 થી 40 વર્ષની વયની આસપાસ હોવાનું તેમજ 4 મહિલા અને ત્રણ પુરુષના હોવાનું લાગી રહ્યું છે.

બીજી તરફ ઈજાગ્રસ્ત મુસાફર ઝુબૈર શેખે જણાવ્યું કે, હું સુરતથી જતો હતો. અમારી બસમાં 20 જેટલા મુસાફરો સવાર હતા, હું ચોથી સીટ પર બેઠો હતો. બીજી બસ સાથે ટક્કર બાદ અમે દૂર ફંગોળાઈ ગયા હતા. લોકોએ બારી તોડીને અમને બહાર કાઢ્યા હતા. સરકારે તમામ મૃતકોને મદદ કરવી જોઈએ.