PM Modi In Surat: વડાપ્રધાન મોદી 5 જૂને સુરતની મુલાકાતે, તમામ ધારાસભ્યો-કોર્પોરેટરોને EVમાં આવવા સૂચના અપાઈ

આ ગ્રીન પ્રવાસને કાયમ માટે યાદગાર બનાવવા અને પર્યાવરણ પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવવા માટે સુરત શહેરમાં મોટા પાયે સફાઈ ઝુંબેશ અને ઐતિહાસિક વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 02 Jun 2026 05:32 PM (IST)Updated: Tue, 02 Jun 2026 05:32 PM (IST)
pm-modi-in-surat-on-5th-june-all-mlas-corporators-instructed-to-come-in-evs
HIGHLIGHTS
  • વડાપ્રધાન મોદી 'મેક ઈન ઈન્ડિયા' સંરક્ષણ પ્રોજેક્ટનું ઈન્સ્પેક્શન કરશે

PM Modi In Surat: આગામી 5 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ સિટી સુરતની મુલાકાતે આવી રહ્યા છે, જેને પગલે સમગ્ર વહીવટી તંત્ર અને રાજકીય આલમમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

પીએમ મોદી હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (L And T) પ્લાન્ટમાં ખાસ 45 મિનિટ સુધી રોકાશે અને ભારત સરકાર દ્વારા 'મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત દેશની સુરક્ષા માટે L&Tને જે મહત્વના સંરક્ષણ પ્રોજેક્ટ્સના ઓર્ડર આપવામાં આવ્યા છે, તેનું વડાપ્રધાન ગ્રાઉન્ડ ઝીરો પર જઈને જાતે નિરીક્ષણ કરશે. આ મુલાકાત દરમિયાન તેઓ કંપનીના ચેરમેન અને ઉચ્ચ એન્જિનિયરોની ટીમ સાથે રૂબરૂ બેઠક પણ કરવાના છે.

હજીરા ખાતેનો તેમનો નિર્ધારિત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન ફરી હેલિકોપ્ટર દ્વારા જ સુરત એરપોર્ટ પરત ફરશે અને ત્યાંથી બાય રોડ સુરતના જાણીતા ઈન્ડોર સ્ટેડિયમ ખાતે જવા રવાના થશે.

ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનારી વિશાળ સભામાં આશરે 20 હજારથી વધુ લોકો એકત્રિત થવાની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમે સ્ટેડિયમની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થાની સમીક્ષા માટેની બેઠકોનો દોર પણ શરૂ કરી દીધો છે.

વડાપ્રધાનનો આ પ્રવાસ 5 જૂન એટલે કે 'વિશ્વ પર્યાવરણ દિવસ'ના રોજ યોજાઈ રહ્યો હોવાથી, આ સમગ્ર ઇવેન્ટને એક અનોખી ઇકો-ફ્રેન્ડલી અને ગ્રીન થીમ પર આયોજિત કરવામાં આવી છે જે આ પ્રવાસનું મુખ્ય આકર્ષણ બનશે. ઈંધણની બચત અને પર્યાવરણ સંરક્ષણનો મજબૂત સંદેશ જનમાનસ સુધી પહોંચાડવા માટે શાસક પક્ષ દ્વારા તમામ ધારાસભ્યો અને કોર્પોરેટરો માટે કાર્યક્રમ સ્થળે ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) લઈને આવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

એટલું જ નહીં, પક્ષના તમામ કાર્યકરો પણ પર્યાવરણ બચાવવાના સંકલ્પ સાથે સાયકલ સવારી, ઈવી, જાહેર બસ સેવા અથવા પદયાત્રા કરીને સ્ટેડિયમ પહોંચશે. સામાન્ય જનતા અને કાર્યકરોની અવરજવર માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ મોટી સંખ્યામાં ઈવી બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ગ્રીન પ્રવાસને કાયમ માટે યાદગાર બનાવવા અને પર્યાવરણ પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવવા માટે સુરત શહેરમાં મોટા પાયે સફાઈ ઝુંબેશ અને ઐતિહાસિક વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે, જે એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરશે તેવી આશા છે.

આ સમગ્ર ગ્રીન ઝુંબેશની કમાન કેન્દ્રીય જળ સંચય મંત્રી સી.આર.પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના હાથમાં લીધી છે. બંને નેતાઓ પોતે ગ્રાઉન્ડ પર ઉતરીને આ અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા છે. સુરતની ધરતી પરથી યોજાનારા આ અનોખા આયોજન દ્વારા સમગ્ર દેશમાં પર્યાવરણ સુરક્ષા અને જળ સંચયનો એક મોટો ડિજિટલ અને ગ્રાઉન્ડ મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવશે.