Surat Organ Donation News: સુરતની નવી સિવિલ હોસ્પિટલ અંગદાન ક્ષેત્રે સતત ઉદાહરણરૂપ કામગીરી થઈ રહી છે. નવી સિવિલમાં 104મું સફળ અંગદાન થયું છે, જેમાં મૂળ ઝારખંડના અને હાલ કડોદરાના અંત્રોલી ખાતે રહેતા 32 વર્ષીય શ્રમજીવી યુવાન મંગરુ બુધરામ ઉરોવના લિવર અને બે કિડનીના દાનથી ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે.
32 વર્ષીય યુવકને છાતીમાં ગભરામણ થઈ
આ પણ વાંચો
પ્રાપ્ત વિગત મુજબ, ઝારખંડના પશ્ચિમી સિંહભૂમ જિલ્લાના બુરુહુંડરુ ગોઇલકેરાના વતની અને કડોદરા નજીક અંત્રોલી ખાતે રહી લાકડાના કામ સાથે સંકળાયેલા 32 વર્ષીય મંગરુભાઈ બુધરામ ઉરોવ ગત તા. 17મીના રોજ સાંજે 7:30 વાગ્યે ઘરમાં અકસ્માતે પડી જતા છાતીમાં ગભરામણ થઈ હતી. હતા. સાથે રહેતા તેમના ભાઈ રાધેએ પરિવારજનોને જાણ કરી તાત્કાલિક નજીકની સંજીવની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તબીબોની સલાહ મુજબ 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
યુવકને તબીબોએ બ્રેન ડેડ જાહેર કર્યો
નવી સિવિલના આઈ.સી.યુ.માં તબીબોના અથાગ પ્રયાસો છતાં તેમની સ્થિતિ ગંભીર થયા બાદ સી.એમ.ઓ. ડૉ. રાજેન્દ્રસિંહ સોલંકી, ડૉ. નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડૉ. જય પટેલ અને ન્યુરોસર્જન ડૉ. કેયુર પ્રજાપતિની ટીમે મંગરુભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ ડૉ. નિલેશ કાછડીયા, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવક ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલાબેન કાથુડ તેમજ મેડિકલ ઓફિસર ડૉ. દિવ્યા, ડૉ. રાધિકા, ડૉ. સંસ્કૃતિ, ડૉ. ઝલક, ડૉ. અષ્ટા અને ડૉ. બરિરાએ સ્વ. મંગરુભાઈના ત્રણ ભાઈઓ અને એક બહેન સહિત પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું.
પરિવારજનોએ અત્યંત દુઃખની ઘડીમાં પણ માનવતાવાદી અભિગમ દાખવી અંગદાન માટે સંમતિ આપી જણાવ્યું હતું કે,
અંગદાનથી કોઈનું જીવન બચી શકશે તેની ખુશી છે. અમારા ગામ અને પરિવારમાં પણ 'અંગદાન એ જ મહાદાન'ની આ ભાવના જાગે અને ભવિષ્યમાં સૌ તેનું મહત્વ સમજી અંગદાન માટે પ્રેરાય તેવી અમારી ઈચ્છા છે.
અંગોને જરુરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરાયા
નવી સિવિલના તબીબી અધિક્ષક ડૉ. પારુલ વડગામાના માર્ગદર્શન હેઠળ આ 104મું સફળ અંગદાન અંતર્ગત અમદાવાદની IKD હોસ્પિટલની તબીબોની ટીમ દ્વારા લિવર અને બંને કિડની સ્વીકારી જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ માટે લઈ જવામાં આવ્યા હતા. નવી સિવિલ હોસ્પિટલ તંત્ર, તબીબો, સ્વયંસેવકો, નર્સિંગ અને સિક્યોરિટી સ્ટાફના ઉમદા પ્રયાસોથી એક શ્રમજીવી પરિવારના ઉમદા નિર્ણયે નવા વર્ષના પ્રારંભે ત્રણ પરિવારોમાં ખુશીનો દીપ પ્રગટાવ્યો છે.
