Rajkot: મવડીમાં લગ્નના 18 દિવસ પહેલા જ યુવતીનો આપઘાત, ઝેરી દવા ખાઈ ભાઈને ફોન પર જાણ કરતા સૌ સ્તબ્ધ

ઘરમાં આરતીના લગ્નની કંકોત્રી લખાઈ રહી હતી અને આખો પરિવાર ઉત્સાહમાં હતો, ત્યારે જ તેણીએ ઘઉમાં ઘઉમાં નાંખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા, હરખનો પ્રસંગ માતમમાં ફેરવાયો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 02 Jun 2026 05:22 PM (IST)Updated: Tue, 02 Jun 2026 05:22 PM (IST)
rajkot-news-girl-commits-suicide-18-days-before-marriage-in-mawadi
HIGHLIGHTS
  • 21 જૂનના રોજ આરતીના સમુહલગ્નમાં સાત ફેરા ફરવાના હતા
  • આપઘાતનું કારણ અકબંધ, પરિવાર આઘાતમાં સરી પડ્યો

Rajkot Suicide: શહેરમાં મવડી ચોકડી પાસે આવેલી જલારામ સોસાયટીમાંથી એક આઘાતજનક ઘટના સામે આવી છે.અહીં રહેતી 27 વર્ષીય યુવતી આરતી રમણિકભાઈ પરમારે (મોચી) પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા તેનું કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે લગ્નના હરખથી ગુંજી રહેલા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આરતી બે બહેન અને એક ભાઈમાં સૌથી મોટી હતી. તેના આગામી 21 જૂનના રોજ એટલે કે બરાબર 18 દિવસ બાદ લગ્ન યોજાવાના હતા. જૂનાગઢના બિલખા ગામના એક યુવાન સાથે તેનું સગપણ નક્કી કરવામાં આવ્યું હતું.

ગઈકાલે જ ઘરમાં લગ્નની કંકોત્રીઓ લખવાનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન જ આરતીએ આ ઘાતક પગલું ભરી લીધું હતું. તેણે ઘઉંમાં નાખવાની ઝેરી દવા ખાઈ લીધા બાદ પોતાના ભાઈ અભિને ફોન કરીને આ અંગેની જાણ કરી હતી.

યુવતીએ ઝેરી દવા ખાઈ લીધી હોવાની જાણ થતાં જ પરિવારજનોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાં જ ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને તેણે દમ તોડી દીધો હતો.

લાડકવાયી દીકરીના અણધાર્યા અંતથી પરિવાર પર આભ તૂટી પડ્યું

મૃતક આરતીના પિતા રાજકોટ મહાનગરપાલિકામાં ટીપરવેન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. દીકરીના લગ્નને લઈને પિતા સહિત આખો પરિવાર ખૂબ જ ઉત્સાહમાં હતો, પરંતુ લગ્ન પ્રસંગના થોડા જ દિવસો બાકી હતા ત્યારે જ લાડકવાઈ દીકરીના આવા અંતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

આ અંગે હોસ્પિટલ ચોકી સ્ટાફ દ્વારા માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ દોડી જઈ જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો અને આપઘાતનું ચોક્કસ કારણ જાણવા આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, શીતલ પાર્ક પાસે આવેલા લાલભવન ખાતે આગામી તારીખ 21 જૂનના રોજ મોચી સમાજ દ્વારા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આરતીના લગ્ન પણ આ જ સમૂહ લગ્નોત્સવમાં મોચી સમાજના રીત-રિવાજ મુજબ ધામધૂમથી થવાના હતા. જે લાલભવન ખાતે લગ્નની શરણાઈઓ ગુંજવાની હતી અને મંગળ ફેરા ફરાવવાના હતા, ત્યાં દીકરીના મોતના સમાચાર પહોંચતા સમગ્ર મોચી સમાજમાં પણ ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. કંકોત્રી લખાયા બાદ જ યુવતીએ આવું અંતિમ પગલું કેમ ભર્યું તે રહસ્ય હજુ અકબંધ છે,જેને ઉકેલવા માલવીયાનગર પોલીસની ટીમે ચક્રો ગતિમાન કર્યા છે.