Surat: કામરેજમાં ગણેશ વિસર્જનમાં કરુણાંતિકા, તાપી નદીમાં નાવડી ઊંધી વળી જતાં 3 યુવકોના ડૂબી જવાથી મોત

તાપી નદીની વચ્ચોવચ્ચ સંતુલન ખોરવાતા નાવડી ઊંધી થઈ જતાં ભરવાડ સમાજના ત્રણેય યુવકો નદીમાં ખાબક્યા હતા અને જોતજોતામાં પાણીમાં ગરક થઈ ગયા હતા. બૂમાબૂમ સાંભળી સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા અને બે યુવકોને બેભાન હાલતમાં બહાર કાઢ્યા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 25 Sep 2026 07:44 PM (IST)Updated: Fri, 25 Sep 2026 07:44 PM (IST)
surat-news-3-youth-drown-in-tapi-river-during-ganesh-visarjan-in-kamrej


Surat Kamrej Ganesh Visarjan Drowning: સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ગણેશ વિસર્જન વખતે કરુણાંતિકા સર્જાઈ છે. જેમાં ધોરણ પારડી ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીમાં નાવડી પલટી જતાં ત્રણ યુવકો ડૂબી જવાથી મોતને ભેટ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આજે ભરવાડ સમાજના કેટલાક યુવાનો નાવડી લઈને કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામની તાપી નદીમાં ગણેશ વિસર્જન માટે ગયા હતા. આ દરમિયાન નદીમાં વચ્ચોવચ્ચ પહોંચ્યા બાદ અચાનક નાવડી ઊંધી વળી ગઈ હતી. જેથી નાવડીમાં બેઠેલા ત્રણેય યુવકો નદીમાં ખાબક્યા હતા અને ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા.

આ ઘટનાના પગલે અફરાતફરી મચી જવાપાણી હતી. આ સમયે આસપાસના સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા ભારે જહેમત બાદ નદીમાં યુવકોની શોધખોળ હાથ ધરી હતી. બીજી તરફ આ બનાવની જાણ થતાં કામરેજ ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી.

જો કે ફાયર વિભાગની ટીમ પહોંચે, તે પહેલા જ સ્થાનિકોએ નદીમાંથી બે યુવકોને બેભાન હાલતમાં બહાર કાઢ્યા હતા. જ્યારે ત્રીજા યુવકને ફાયર વિભાગની ટીમે બહાર કાઢ્યો હતો. જે બાદ ત્રણેય યુવકોને બેભાન હાલતમાં કામરેજની દીનબંધુ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ ત્રણેયને મૃત જાહેર કર્યાં હતા.

પ્રાથમિક તપાસમાં મૃતક યુવકોની ઓળખ શાર્દુલ મેર, રાજુ મેર અને દાના શિયાળિયા તરીકે થઈ છે. આમ એક જ દિવસમાં ત્રણ આશાસ્પદ યુવકોના અકાળે અવસાનના પગલે ભરવાડ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.