Surat: સુરત જિલ્લામાં વરસાદી માહોલને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, ત્યારે પલસાણા તાલુકાના ગાંગપુર અને ધામડોદ ગામે 149 લોકોનું સ્થળાતર કરાયું છે.
સમગ્ર સુરત જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદના કારણે જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં સવારે પલસાણા તાલુકાના ગાંગપુર ખાતે હળપતિવાસી, ડેરી ફળીયા, ગીરનાર ફળીયામાં વરસાદી પાણી ભરાઈ જતા 135 લોકોને સ્થળાંતરિત કરીને પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા હતા.
જયારે ધામડોદ ગામે વસાવા ફળીયાની બાજુમાં આવેલી કોતરોને લીધે પાણી ભરાઈ જતા 14 લોકોને સ્થળાંતર કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પલસાણા તાલુકાની બલેશ્વર ખાડીમાં પાણી ભરતા છ ગામોના રસ્તાઓને તકેદારીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે.
લિંબાયતની મીઠી ખાડી વિસ્તારમાં રોગચાળાની દહેશત
સુરત શહેરમાં છેલ્લા 36 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે બપોર બાદ વરસાદે વિરામ લીધા બાદ પાણીથી ફેલાતા રોગચાળાના નિયંત્રણ માટે લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડી અને આંજણા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની આરોગ્યની ટીમે મોબાઈલ મેડિકલ વાનમાં સ્થળ પર જ લોકોનું હેલ્થ સ્ક્રિનીંગ કરી જરૂરિયાતમંદ દર્દીઓને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વરસાદ બાદ પાણીથી ફેલાતા રોગચાળો, ચેપ, તાવ, પેટના રોગો, એલર્જી અને ત્વચાની સમસ્યાઓ વધી જતી હોય છે ત્યારે આરોગ્ય ટીમ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓની તબીબી તપાસ, બ્લડ પ્રેશર, શ્વાસની તકલીફ તેમજ અન્ય સામાન્ય લક્ષણોની તપાસ કરવામાં આવી રહી છે. આરોગ્ય કર્મચારીઓની ટીમો દ્વારા લોકો તબિયત અંગે માહિતી મેળવી જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
