પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદઃ શહેરામાં 2 કલાકમાં 5 ઈંચ ધોધમાર ખાબક્યો, ગોધરામાં માર્ગો પર પાણી વહેતા થયા

60 તાલુકામાં 1 ઈંચથી વધુ, 40 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 30 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 24 Jun 2025 08:15 PM (IST)Updated: Tue, 24 Jun 2025 08:15 PM (IST)
panchmahal-news-120-taluka-across-the-gujarat-gets-rain-on-24th-june-till-6-pm
HIGHLIGHTS
  • આજે 120 તાલુકામાં મેઘાવી માહોલ છવાયો
  • નર્મદા જિલ્લાના નાંદોદમાં સૌથી વધુ 8.6 ઈંચ વરસાદ

Panchmahal: ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થયા બાદ મેઘરાજા ગુજરાતના એક પછી એક ભાગોમાં તોફાની બેટિંગ કરી રહ્યાં છે. ચોમાસાના આગમન સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ મેઘરાજાએ ઉત્તર ગુજરાત તરફ નજર દોડાવી હતી અને બનાસકાંઠા અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. હવે મધ્ય ગુજરાતનો વારો કાઢ્યો હોય, તેમ નર્મદા, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને છોટા ઉદેપુર જિલ્લાઓમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે.

ખાસ કરીને પંચમહાલ જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં શહેરા તાલુકામાં સૌથી વધુ 159 મિ.મી (6.2 ઈંચ) વરસાદ ખાબક્યો હતો. ખાસ વાત એ છે કે, સાંજે 4 થી 6 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન જ 125 મિ.મી (5 ઈંચ જેટલો) વરસાદ નોંધાયો છે.

પંચમહાલ જિલ્લાના અન્ય તાલુકામાં વરસાદની વિગતો જોઈએ તો, ગોધરામાં 117 મિ.મી (4.6 ઈંચ),મોરવા હડફમાં 117 મિ.મી (4.6 ઈંચ), હાલોલમાં 107 મિ.મી (4.2 ઈંચ),જાંબુઘોડામાં 95 મિ.મી (3.7 ઈંચ), કાલોલમાં 48 મિ.મી (1.8 ઈંચ),ઘોઘંબામાં 17 મિ.મી વરસાદ વરસ્યો છે.

આજે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 120 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. જે પૈકી 60 તાલુકામાં 1 ઈંચથી વધુ, 40 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 30 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે નર્મદા જિલ્લાના નાંદોદમાં સૌથી વધુ 220 મિ.મી (8.6 ઈંચ) વરસાદ વરસ્યો છે.

આજે સાડા 4 ઈંચ વરસાદમાં જ જિલ્લાના ગોધરા શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. દર ચોમાસાની માફક આ વર્ષે પણ નીચાણવાળા વિસ્તારો જેવા કે જિલ્લા પંચાયતની ઑફિસની આસપાસનો એરિયા, લાલબાગ બસ સ્ટેન્ડ, ભુરાવાવ, શહેરા ભાગોળ, ખાડી ફળિયાના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.