Surat: સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે 30 બેડના ડાયાલિસીસ સેન્ટર સહિત મેડિકલ અને સર્જિકલ ICUનું વિસ્તરણ

મેડિકલ ICU 10થી વધારીને 20 બેડ અને સર્જિકલ ICU 10થી વધારીને 20 બેડ કરાયું. ઓર્ગન ડોનેશનના દર્દીઓ માટે આઇસોલેશન ICU, અપગ્રેડેડ ઇમરજન્સી વિભાગ અને હેલ્પ ડેસ્કની સુવિધા ઉપલબ્ધ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 13 Sep 2026 04:40 PM (IST)Updated: Sun, 13 Sep 2026 04:40 PM (IST)
surat-new-civil-hospital-upgrades-icu-beds-and-dialysis-center-inaugurated-by-harsh-sanghavi

Surat New Civil Hospital: નવી સિવિલ હોસ્પિટલ અને સરકારી તબીબી મહાવિદ્યાલય, સુરતના કિડની બિલ્ડિંગ ખાતે આજરોજ વિવિધ નવી આરોગ્ય સુવિધાઓના લોકાર્પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તથા આરોગ્ય રાજયમંત્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં થયું હતું. તેમની સાથે ધારાસભ્ય સંગીતા પાટીલ તથા મેડીકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.પારૂલ વડગામા પણ ઉપસ્થિત રહ્યા હતા.

નવી સિવિલ હોસ્પિટલ ખાતે 30 બેડના અદ્યતન ડાયાલિસીસ સેન્ટર, મેડિકલ ICUનું 10 બેડથી વધારીને 20 બેડ સુધી વિસ્તરણ, સર્જિકલ ICUનું 10 બેડથી વધારીને 20 બેડ સુધી વિસ્તરણ, ઓર્ગન ડોનેશનના દર્દીઓ માટે આઇસોલેશન ICU, અપગ્રેડેડ ઇમરજન્સી વિભાગ તથા સાકેત ગ્રુપ દ્વારા હેલ્પ ડેસ્ક સહિતની વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ અવસરે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સુરત સિવિલ હોસ્પિટલનો પરિવાર દરરોજ 4500 થી 5000 લોકોને OPDના માધ્યમથી સારવાર આપે છે. શહેરની ખાનગી હોસ્પિટલોમાં જેટલા દર્દીઓની સારવાર થાય છે તેના કરતાં પણ વધારે દર્દીઓની સારવાર કરીને તેમને સ્વસ્થ કરી ઘરે મોકલવાનું મહત્વપૂર્ણ કાર્ય સિવિલ હોસ્પિટલનો પરિવાર અને નર્સિંગ ટીમ કરી રહી છે. 1500 બેડના દર્દીઓને સેવા આપવા માટે સિવિલ હોસ્પિટલની ટીમ દરરોજ અડીખમ ઊભી રહે છે.

સિવિલ હોસ્પિટલમાં એવા અનેક દર્દીઓ આવે છે જેમનો કોઈ પરિવાર હોતો નથી અથવા તેમનો પરિવાર તેમને છોડીને ચાલ્યો ગયો હોય છે. આવા સમયે નર્સિંગ સ્ટાફના ભાઈ-બહેનો તેમના પરિવારજનો બનીને નિઃસ્વાર્થ ભાવે તેમની સેવા કરે છે. નિરાધાર દર્દીઓ અને પરિવારથી વિખૂટા પડેલા લોકોની સારવાર ઉપરાંત તેમની અન્ય જરૂરિયાતોમાં પણ નર્સિંગ સ્ટાફ પરિવારના સભ્યની જેમ જવાબદારી નિભાવે છે.

વધુમાં તેમણે કહ્યું કે, સુરતમાં એક સમયે માત્ર એક જ ડાયાલિસિસ સેન્ટરની સુવિધા હતી, જ્યારે આજે 30થી વધુ ડાયાલિસિસ સેન્ટરની સુવિધા ઊભી કરવામાં આવી છે. તેમણે આરોગ્ય ક્ષેત્રમાં સતત વિસ્તરી રહેલી સુવિધાઓને મહત્વપૂર્ણ ગણાવી હતી.


તેમણે કોરોના મહામારીના સમયને યાદ કરતાં જણાવ્યું હતું કે, જ્યારે કોરોનાની તકલીફ વધી રહી હતી સ્ટેમસેલ અને કિડની બિલ્ડિંગોમાં ઝડપથી કોરોના માટેના વોર્ડ ઊભા કરી દર્દીઓને બચાવવાનું કાર્ય થયું હતું. તે સમયે સિવિલ હોસ્પિટલની તબીબી અને નર્સિંગ ટીમે દિવસ-રાત એક કરીને કરેલી કામગીરીને યાદ કરીને સૌને અભિનંદન પાઠવ્યા હતા.

સિવિલ હોસ્પિટલની ઓર્ગન ડોનેશન ટીમની કામગીરીને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, જીવનદાન બચાવવાના ક્ષેત્રમાં સિવિલ હોસ્પિટલની ટીમે અદભુત કાર્ય કર્યું છે. સિવિલ હોસ્પિટલની ટીમમાં સેવા કરવાની માનવતા અને એક ટીમ બનીને આગળ વધવાની ભાવના ખૂબ મોટું ભગીરથ કાર્ય છે. તેમણે સમગ્ર સિવિલ હોસ્પિટલને સ્વચ્છ બનાવવાનો અને સમગ્ર દેશમાં સારી સારવાર મળે તેવો સંકલ્પ કરવાની અપીલ કરી હતી.


આ પ્રસંગે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ કોરોના કાળ દરમિયાન તેમણે નિષ્ઠાપૂર્વક બજાવેલી ફરજને બિરદાવતા તેમણે જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલના સમગ્ર સ્ટાફ અને તબીબોની કામગીરીથી તેમને પોતાના ‘સિવિલ પરિવાર’ પર ગર્વ છે. હોસ્પિટલમાં સ્વચ્છતા, સારો વ્યવહાર અને દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે દિશામાં સતત કામગીરી થઈ રહી છે.

નર્સ તરીકે સેવા આપવીએ ગૌરવની બાબત છે. સુરત અને અમદાવાદ સિવિલ હોસ્પિટલની ટીમોએ અંગદાનના ક્ષેત્રમાં પણ નોંધપાત્ર કામગીરી કરી છે. સિવિલ હોસ્પિટલના સ્ટાફ, તબીબો અને નર્સિંગ ટીમને સુરતનો દરેક વ્યક્તિ ગર્વથી જુએ તેવું વાતાવરણ ઊભું કરવાનો સંકલ્પ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં કામરેજ ખાતે 1500 બેડની હોસ્પિટલ બનાવવા માટેની ચાલી રહેલી કામગીરીની વિગતો આપી હતી.

આરોગ્ય ક્ષેત્રના તબીબો, કર્મચારીઓને અંત્યોદય સુધી નિષ્ઠાપૂર્વક આરોગ્ય સેવા પહોંચે તેવા પ્રયાસો કરવાનો અનુરોધ કર્યો હતો. તબીબી ક્ષેત્રમાં રેગિંગની ઘટનાઓને ગંભીર ગણાવતા મંત્રીએ જણાવ્યું હતું કે, સિનિયર દ્વારા જુનિયરનું રેગિંગ કોઈપણ રીતે સ્વીકારી શકાય નહીં.

તબીબી ક્ષેત્રે સૌએ શિસ્ત અને જવાબદારી સાથે શ્રેષ્ઠ કામગીરી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, અહીંથી હજારો દર્દીઓ સારવાર મેળવી આશીર્વાદ આપીને જાય છે. નિષ્ઠાપૂર્વક કરવામાં આવતું કાર્ય સમાજમાં હંમેશાં યાદ રહેતું હોવાનું કહ્યું હતું. તેમણે સેવાભાવના, સ્વચ્છતા અને ઉત્તમ સારવારને કેન્દ્રમાં રાખીને સિવિલ હોસ્પિટલને વધુ શ્રેષ્ઠ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.