Surat Civil Hospital Organ Donation: અંગદાન મહાદાનની ઉકિતને ચરિતાર્થ કરતા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તબીબી અધિક્ષક ડૉ. પારુલ વડગામાના માર્ગદર્શન હેઠળ આજે 102મું સફળ અંગદાન થયું હતું. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટાપરવાડા ગામના ટેમ્કા બસ સ્ટોપ ખાતે રહેતા 67 વર્ષીય રમણભાઈ સાદડીયાભાઈ ગામીતના લિવર અને બંને કિડનીના દાનથકી ત્રણને નવજીવન મળશે.
ઘરના ઓટલા પરથી પડી જતા રમણભાઈ બેભાન થઈ ગયા
રમણભાઈ ગામીત ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તા.5 ઓક્ટોબરના રોજ સવારે આશરે 6:30 વાગ્યે તેઓ પોતાના ઘરના ઓટલા પરથી પડી ગયા હતા. માથાના પાછળના ભાગે ઈજા થતાં તેઓ બેભાન થઈ ગયા હતા.
પરિવારજનો દ્વારા તાત્કાલિક 108ની મદદથી તેમને વ્યારા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તબીબોની સલાહથી તેમને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ કરાયેલા રમણભાઈને સારવાર માટે ICUમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોની અથાગ સારવાર છતાં તેમની સ્થિતિમાં સુધારો થયો નહોતો. તા.7મીના રોજ વહેલી સવારે 2:26 વાગે RMO ડૉ.લક્ષ્મણ તાહિલિયાણી, ડો.નિલેશ કાછડીયા, ન્યુરોસર્જન ડો.કેયુર પ્રજાપતિ, ન્યુરોલોજિસ્ટ ડૉ. જય પટેલ દ્વારા તેમને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. તેમનું નિદાન Intraparenchymal and Intraventricular Haemorrhage with GCS 2T/10 તરીકે થયું હતું.
રમણભાઈના બ્રેઈન ડેડ થયા બાદ ડૉ.કેતન નાયક, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર ઇકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલાબેન કાથુડ તથા અન્ય કાઉન્સેલરો, મેડિકલ ઓફિસરો અને નર્સિંગ સ્ટાફે પરિવારને જરૂરી માર્ગદર્શન સાથે અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. તેમના ધર્મપત્ની નવગીબેન ગામીત, પુત્ર રણજીતભાઈ ગામીત અને પુત્રી અમીતાબેન ગામીત સહિત પરિવારજનોએ અંગદાનની સમતિ સાથે આ માનવતાભર્યો નિર્ણય કર્યો હતો.
પરિવારજનોએ કહ્યું કે, “અંગદાનથી કોઈનું જીવન બચી શકે તો એનાથી મોટું શું હોઈ શકે. કોઈને નવું જીવન મળી શકે, એવી ભાવના દરેક પરિવાર અને ગામમાં જન્મે તેવી ભાવના વ્યકત કરી હતી.
બ્રેઈનડેડ રમણભાઈના લિવર અને બંને કિડનીનું દાન કરવામાં આવ્યું છે. દાનમાં મળેલા અંગો જરૂરિયાતમંદ દર્દીઓને પ્રત્યારોપણ માટે ઝાયડસ હોસ્પિટલ, અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા છે. આમ, એક પરિવારના દુઃખ વચ્ચે લેવાયેલા નિર્ણયથી અન્ય પરિવારોમાં આશાનો દીપ પ્રગટ્યો છે.
અંગદાનની સમગ્ર પ્રક્રિયામાં આર.એમ.ઓ. સહિતની તબીબી ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. અંગદાનની પ્રાર્થનામાં નોડલ ઓફિસર ડૉ. ભરત પટેલ સહિત તબીબી અને નર્સિંગ સ્ટાફ તથા પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. રમણભાઈ હવે આ દુનિયામાં નથી, પરંતુ તેમના અંગો થકી કોઈના ઘરમાં ફરીથી હાસ્ય ગુંજી શકયું છે. પોતાના સ્વજનને ગુમાવવાના અસહ્ય દુઃખ વચ્ચે પરિવાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય સમાજ માટે અંગદાન પ્રત્યે જાગૃતિ અને માનવતાનો સંદેશ આપે છે.
