સુરત નવરાત્રીમાં જનઆરોગ્યની જાળવણી માટે સઘન ઝૂંબેશઃ બે દિવસમાં 116 ફૂડ સ્ટોલની તપાસ, 113 નમૂના લેવાયા અને 43ને નોટિસ

સુરતમાં નવરાત્રી દરમિયાન જનઆરોગ્યની જાળવણી માટે આરોગ્ય વિભાગે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી છે. બે દિવસમાં 116 ફૂડ સ્ટોલની તપાસ કરી, 113 નમૂના લીધા અને 43ને નોટિસ ફટકારવામાં આવી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 14 Oct 2026 06:41 PM (IST)Updated: Wed, 14 Oct 2026 06:41 PM (IST)
surat-navratri-food-safety-drive-116-food-stalls-inspected-43-issued-notices

Surat Navratri Food Safety Drive: અત્યારે નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે, ત્યારે સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા જનઆરોગ્યની જાળવણી માટે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. છેલ્લા બે દિવસ દરમ્યાન ફૂડ સેફટી ઓફિસરો દ્વારા ફૂડ ઇન્સ્પેક્શનની વિશેષ કામગીરી કરવામાં આવી હતી.

2 દિવસમાં પાર્ટી પ્લોટ, હોલ, મોટા ગ્રાઉન્ડ તેમજ અન્ય સ્થળોએ યોજાયેલ ગરબાના મોટા આયોજનોમાં કુલ 116 ફૂડ સ્ટોલની તપાસ કરીને 113 નમૂના લેવામાં આવ્યા છે અને 43ને નોટિસ આપવામાં આવી છે.

સુરત શહેરમાં નવરાત્રિના પર્વ દરમિયાન ખાદ્ય સુરક્ષા અને જનઆરોગ્યની જાળવણી માટે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત 12 અને 13 ઓક્ટોબર આમ બે દિવસ દરમિયાન સુરતમાં ખાનગી ગરબા આયોજકો દ્વારા પાર્ટી પ્લોટ, હોલ, મોટા ગ્રાઉન્ડ તેમજ અન્ય સ્થળોએ યોજાયેલ ગરબાના મોટા આયોજનોમાં ફૂડ સેફટી ઓફિસરો દ્વારા ફૂડ ઇન્સ્પેક્શનની વિશેષ કામગીરી કરવામાં આવી હતી.

આ ઝુંબેશ દરમ્યાન આયોજકોના સ્થળો પર ફૂડ સ્ટોલ્સનું ફૂડ સેફટી ઓફિસરો દ્વારા ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાદ્યપદાર્થ વિક્રેતાઓને સ્ટોલ પર સંપૂર્ણ સ્વચ્છતા જાળવવા તેમજ સ્વચ્છતાના નિયમોનું પાલન કરવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી.

ખાદ્ય પદાર્થો બનાવતા તથા પીરસતા કારીગરો દ્વારા ફરજિયાતપણે એપ્રોન, ટોપી અને ગ્લોવ્ઝ (મોજાં) પહેરવા બાબતે વિશેષ તાકીદ કરવામાં આવી હતી. ગ્રાહકોને ઉત્તમ ગુણવત્તાયુક્ત અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ સાથે નિયમભંગ બદલ નોટિસો ફટકારવામાં આવી હતી.

આ ઉપરાંત હંગામી લાયસન્સ મેળવવા અંગે સ્થળ પર જ માર્ગદર્શન આપી, તમામ વેપારીઓને તાત્કાલિક લાયસન્સ મેળવી લેવા માટે આદેશ કરવામાં આવ્યા છે. વિવિધ ફૂડ સ્ટોલ્સમાંથી શંકાસ્પદ તથા ચકાસણી અર્થે ખાદ્યપદાર્થોના નમૂનાઓ (સેમ્પલ) લેવામાં આવ્યા છે, જેને પૃથ્થકરણ અર્થે સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

ક્યા-ક્યા તપાસ કરવામાં આવી?

ભરથાણા ખાતે મહાવીર કોલેજ પાસે આવેલી કેસરિયા નવરાત્રીમાં કુલ 24 ફૂડ સ્ટોલ છે, જ્યાંથી 32 નમૂના લેવામાં આવ્યા છે અને 5ને નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત ડુમસ રોડ વીઆર મોલની સામે આવેલી સુવર્ણ નવરાત્રીમાં 22 ફૂડ સ્ટોલ છે, જ્યાંથી 16 નમૂના લેવામાં આવ્યા છે અને 13ને નોટિસ આપવામાં આવી છે.

ડુમસ રોડ શગુન ફાર્મ ખાતે ગરબી વારસોમાં 8 ફૂડ સ્ટોલ છે, જ્યાંથી 8 નમૂના લેવાયા અને 2ને નોટિસ આપવામાં આવી છે. સારસાણા સ્થિત કન્વેકશન હોલ ખાતે આવેલી ઓ.જી.નવરાત્રીમાં 16 સ્ટોલમાંથી 16 નમૂના લેવામાં આવ્યા છે અને 5ને નોટીસ આપવામાં આવી છે. ડુમસ રોડ લા મેરેડીયન હોટલ સામે આવેલી ગુજરાત ગરબા ગેલેક્સીમાં 16 ફૂડ સ્ટોલ છે, જ્યાંથી 7 નમૂના લેવાયા છે અને 9ને નોટિસ આપવામાં આવી છે.

આવી જ રીતે આભવા રોડ ડીબી પટેલ ગ્રાઉન્ડ યશ્વી નવરાત્રીમાં 30 ફૂડ સ્ટોલ છે, જ્યાંથી 34 નમૂના લેવામાં આવ્યા છે અને 9ને નોટીસ આપવામાં આવી છે. આમ કુલ 116 ફૂડ સ્ટોલની તપાસ કરીને 113 નમુના લેવામાં આવ્યા છે અને 43ને નોટિસ આપવામાં આવી છે.

વધુમાં સુરત મહાનગર પાલિકા દ્વારા અઠવા લાઈન્સ કૃષ્ણકુંજ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત ફૂડ ફેસ્ટીવલ-2026 ખાતેથી પણ વિવિધ ખાદ્ય ચીજ વસ્તુઓના કુલ 20 નમુનાઓ લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓ પુથ્થકરણ [ટેસ્ટીંગ] માટે સુરત મહાનગર પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.