Rajkot News: રાજકોટમાં બહુચર્ચિત જમીન કૌભાંડી અલ્પેશ દોંગા વિરુદ્ધ રાજકોટ ગ્રામ્ય પોલીસ અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસનો ગાળિયો કસ્યો છે, ત્યારે હવે અલ્પેશ દોંગા આણી ટોળકીએ પડાવી લીધેલી અલગ-અલગ 40 ખેડૂતની 500 વીઘા જેટલી જમીન ખેડૂતોને પરત સોંપવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજય પોલીસ વડા જી.એસ.માલિકની ઉપસ્થિતમાં આવતીકાલે શાપર-વેરાવળ ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાશે, જેમાં જીલ્લા પોલીસ દ્વારા ખેડૂતતોની જમીન તેમના મૂળ માલિકને પરત અપાશે,આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યો અને સાંસદો પણ ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે, પોલીસે 150 ફૂટ રિંગ રોડ પર આવેલી અલ્પેશ દોંગાની ઓફિસમાં દરોડો પાડી તપાસ હાથ ધરીને વધુ 100 જેટલા ખેડૂતોની જમીન સંબંધિત મહત્વપૂર્ણ દસ્તાવેજો કબ્જે કર્યા હતા. ગ્રામ્ય પોલીસે અલ્પેશ દોંગા પાસે અંદાજે 150 જેટલા ખેડૂતોના જમીનના કાગળો જપ્ત કર્યા હતા.
અત્યાર સુધીની તપાસમાં કુલ 250થી વધુ ખેડૂતોની જમીનના દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા છે. આ તમામ જપ્ત કરાયેલા દસ્તાવેજો સંદર્ભે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં અલ્પેશ દોંગા અને તેની ગેંગ દ્વારા બોગસ કાગળો, ધાક-ધમકી કે નાણાકીય ગેરરીતિઓ આચરીને ખેડૂતોની જમીનો હડપ કરવાનો ખેલ ખેલાયો હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ભૂમાફિયા અલ્પેશ દોંગા આણી ટોળકી સામે જિલ્લા પોલીસે કાયદાનો ગાળિયો મજબુત કર્યા બાદ હવે, એક વિશેષ અને મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આવતીકાલે ગુરુવારે રાજકોટ જિલ્લાના શાપર ખાતે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત કૂખ્યાત ભૂમાફિયા અલ્પેશ દોંગા અને તેની ગેંગનો ભોગ બનેલા 40થી વધુ પીડિત ખેડૂતોને તેમની પડાવાયેલી 500 વીઘા જેટલી કિંમતી જમીનોના અસલ દસ્તાવેજો કાયદેસર રીતે પરત સોંપવામાં આવશે.
રાજકોટ જિલ્લામાં કૂખ્યાત ભૂમાફિયા અલ્પેશ દોંગા અને તેની ગેંગ દ્વારા ગેરકાયદેસર રીતે ખેડૂતોની કિંમતી જમીનો પડાવી લેવાના અને ખેડૂતોને ભારે હેરાનગતિ કરવાના અનેક બનાવો સામે આવ્યા હતા. આ શોષણનો ભોગ 40થી વધુ નિર્દોષ ખેડૂતો બન્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને રાજકોટ જિલ્લા પોલીસે આ મામલે અત્યંત કડક વલણ અપનાવીને ગેંગના આરોપીઓ સામે સઘન કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની ઊંડી તપાસ અને કાનૂની પ્રક્રિયાના પરિણામે અલ્પેશ દોંગા ગેંગ દ્વારા ગેરકાયદેસર રીતે પડાવી લેવાયેલી જમીનો અને તેના અસલ દસ્તાવેજો કાયદેસર રીતે કબ્જે કરવામાં સફળતા મળી હતી. અને આ અલ્પેશ દોંગા કે તેના નામે કરાવેલી લીધેલ દસ્તાવેજ પોલીસે રદ કરાવી મૂળ માલિકના નામે જમીન પરત કરાવી હતી.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ માલિકની ઉપસ્થિતમાં પોતાના આવતીકાલે ગુરુવારે યોજાનાર આ ‘દસ્તાવેજ અર્પણ કાર્યક્રમ’ દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતાના વરદ્દ હસ્તે તમામ 40થી વધુ પીડિત ખેડૂતોને તેમની 500 વિધા જમીનના અસલ દસ્તાવેજો પરત સોંપશે.
આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યો અને સાંસદો પણ ઉપસ્થિત રહેશે. વર્ષોથી પોતાની જમીન ગુમાવીને ન્યાયની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ ક્ષણ અત્યંત રાહત અને ન્યાય આપનારી બની રહેશે. જીલ્લા પોલીસ દ્વારા આવતીકાલના કાર્યક્રમને લઇને શહેર અને જીલ્લ પોલીસે તાડમાર તૈયારી શરૂ કરી છે.
