ગોંડલમાં કરુણાંતિકાઃ રમતા-રમતા પાણીની કુંડીમાં ડૂબી જવાથી 3 વર્ષના બાળકનું મોત, પરપ્રાંતિય શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ

ગોંડલના સીમ વિસ્તારમાં એક વાડીમાં રમતા 3 વર્ષના બાળક દેવરાજનું પાણીની કુંડીમાં ડૂબી જવાથી કરુણ મોત થયું. મૂળ મધ્ય પ્રદેશના શ્રમિક પરિવારે એકમાત્ર પુત્ર ગુમાવતા ભારે શોક છવાયો, પોલીસે તપાસ શરૂ કરી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 14 Oct 2026 05:51 PM (IST)Updated: Wed, 14 Oct 2026 05:51 PM (IST)
toddler-drowns-in-water-tank-near-gondal-migrant-labourer-family-mourns-sole-son

Rajkot: ગોંડલ શહેરના સીમ વિસ્તારમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. જેમાં દડના મેલડી માતાજીના મંદિર પાસે આવેલી એક વાડીમાં રમતા-રમતા પાણીની કુંડીમાં ખાબકી જવાથી 3 વર્ષના માસૂમ બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ દુર્ઘટનામાં મૂળ મધ્ય પ્રદેશના શ્રમિક પરિવારે પોતાનો એકનો એક વહાલસોયો પુત્ર ગુમાવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ગોંડલ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના ભાટી ખોદરા ગામના વતની મેરૂભાઈ ડોડવે છેલ્લા 2 વર્ષથી પોતાના પરિવાર સાથે ગોંડલમાં રહીને ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેઓ ગોંડલ સીમમાં દડના મેલડી માતાજી મંદિર પાસે આવેલી સુરેશભાઈ રૈયાણીની વાડીમાં રહીને કામ કરતા હતા.

મંગળવારે (13 ઓક્ટોબર) તેમનો 3 વર્ષનો પુત્ર દેવરાજ વાડી વિસ્તારમાં રમી રહ્યો હતો. રમતા-રમતા અચાનક તેનો પગ લપસી જતાં તે ત્યાં આવેલી પાણીથી ભરેલી કુંડીમાં પડી ગયો હતો. બાળક કુંડીમાં ગરકાવ થઈ ગયો હોવાની જાણ થતાં જ શ્રમિક પરિવારના જીવ તાળવે ચોંટી ગયા હતા.

પરિવારે તાત્કાલિક અન્ય એક મજૂરના બાઇક પર ગંભીર હાલતમાં માસૂમ દેવરાજને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો. જો કે હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ માસૂમ બાળકને તપાસીને મૃત જાહેર કરતા પરિવારની આશા પર પાણી ફરી વળ્યું હતું.

પોતાના કાળજાના કટકા સમાન એકના એક પુત્રના અકાળે મોતથી શ્રમિક માતા-પિતા ભાંગી પડ્યા હતા. તેમના હૈયાફાટ રૂદનથી સિવિલ હોસ્પિટલના પરિસરમાં પણ ભારે ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ગોંડલ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ અને ત્યાર બાદ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી, પંચનામું કરી અકસ્માતે મોત અંગેની નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.