Surat Navratri 2026: આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરત શહેરમાં 20થી વધુ મોટા અને કોમર્શિયલ આયોજનો થવાની શક્યતા છે. આ ઉપરાંત ફાયર વિભાગ દ્બારા કડક માર્ગદર્શિકા જાહેર કરી છે, ત્યારે હજુ સુધી માત્ર બે જ અરજીઓ ફાયર વિભાગને મળી છે. ગત વર્ષે 16 આયોજનોને ફાયર વિભાગે મંજૂરી આપી હતી. જ્યારે આ વર્ષે હજુ સુધી મંજૂરીનું ખાતું પણ ખૂલ્યું નથી.
આગામી 11 ઓક્ટોબર રવિવારથી આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે અને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં વેસુ, અડાજણ, વરાછા અને કતારગામ જેવા પોશ અને ગીચ વિસ્તારોમાં આવેલા પાર્ટી પ્લોટ્સ, ક્લબ્સ અને વિશાળ ડોમમાં 23થી વધુ મોટા પ્રોફેશનલ ગરબા મહોત્સવનું આયોજન થવાનું છે.
બીજી તરફ ફાયર વિભાગે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. એક તરફ ગરબા ગ્રાઉન્ડ્સ પર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, તો બીજી તરફ શહેર પોલીસ પાસે 23 જેટલા કોમર્શિયલ અને 4 ખુલ્લા મેદાન માટે પાસ વગરના આયોજનની અરજીઓ પહોંચી ચૂકી છે. જો કે ફાયર વિભાગને હજુ 2 જ અરજીઓ મળી છે.
મોટા ગરબા આયોજનોમાં એક સાથે હજારો ખેલૈયાઓ અને નાગરિકો એકત્ર થવાના હોવાથી આગ કે અન્ય કોઈ કટોકટીની સ્થિતિમાં સુરક્ષા વ્યવસ્થા પુરતી હોવી જરૂરી છે આ મુદ્દે ફાયર વિભાગ દ્વારા અગાઉથી જ તમામ મોટા આયોજકોને સલામતીના નિયમોનું પાલન કરવા માટે સૂચના આપવામાં આવી હતી, પરંતુ હવે નવરાત્રીના ગણતરીના દિવસો બાકી રહ્યા હોય છેલ્લી ઘડીએ મંજુરી માટે દોડધામ થવાની શક્યતા રહેલી છે.
ફાયર વિભાગ દ્વારા ખેલૈયાઓની સુરક્ષા અને સલામતીને જોતા કડક માર્ગદર્શિકા તૈયાર કરાઈ છે, જે મુજબ 500 ચો.મીટર ક્ષેત્રફળ કરતા વધારે અને 9 મીટરથી વધુ ઉંચાઈ ધરાવતા પંડાલોમાં જ્યાં 50થી વધુ લોકો હાજર થતા હોય તેના માટે હાજર થયેલા તમામ લોકોની માહિતીનો રેકોર્ડ રાખવો પડશે અને કોઈ પણ મંડપ કે પંડાલ કે ટેમ્પરરી સ્ટ્રક્ચરનો સ્ટેજ મુખ્ય રોડથી 45 મીટરથી વધારે દૂર રાખી શકાશે નહી.
પંડાલની કેપેસિટી મુજબ વ્યક્તિઓને પ્રવેશ આપવો તેમજ વ્યક્તિ દીઠ ઓછામાં ઓછી 1 સ્ક્વેર મીટરની જગ્યા રાખવી પડશે. 30 જેટલી શરતો સાથે આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકાનું સાચા અર્થમાં પાલન થશે કે કેમ એ પ્રશ્ન છે.
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ.ડી. ધોબીએ જણાવ્યું કે, અમારી પાસે ઓનલાઈન પોર્ટલમાં ફક્ત બે અરજીઓ આવી છે. આ વખતે ક્રાઈટેરીયા જાહેર કર્યા છે, એ પ્રમાણે 500 ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતા હોય અને 9 મીટરથી વધુ હાઈટ ધરાવતા પંડાલ હોય અને 50 વ્યક્તિથી વધુ વ્યક્તિઓ જ્યાં એકત્ર થતી હોય એવા આયોજકોએ જ ફાયર એન.ઓ.સી. લેવાની રહે છે, ક્રાઈટેરીયા કરતા ઓછા વાળા પંડાલોએ ફાયર NOC લેવાની નથી, પરંતુ ફાયર સેફટીના સાધનો અચૂક ઉપલબ્ધ કરાવાના રહેશે.
વધુમાં જણાવ્યું કે, હાલ અમારી પાસે ઓનલાઈન પોર્ટલ પર બે અરજી આવી છે જેનું ચેકીગ કરવાની કાર્યવાહી ચાલુ છે અને જે પણ આયોજકો પોર્ટલ પર અરજી કરશે અને પ્રસિદ્ધ થયેલી ગાઈડલાઈનનું પાલન થયું હશે તો તેઓને NOC આપી દેવામાં આવશે. તેઓ ભલે છેલ્લા દિવસે અરજી કરે, પરંતુ નિયમોઅનુસાર હશે તો NOC આપી દેવામાં આવશે.
