Surat News: આજથી આદ્યશક્તિ મા અંબાની આરાધનાના પર્વ નવરાત્રીનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો છે. નવરાત્રીના પ્રથમ નોરતે સુરતના સુપ્રસિદ્ધ અને આસ્થાના કેન્દ્રસમા પાર્લે પોઈન્ટ સ્થિત અંબિકા નિકેતન મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનું વિશાળ ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. સમગ્ર મંદિર પરિસર 'જય અંબે' ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું.
આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે, ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રથમ નોરતાના પવિત્ર અવસરે સવારે 4 વાગ્યાથી જ પાર્લે પોઈન્ટ સ્થિત અંબિકા નિકેતન મંદિરમાં માં અંબેના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. વહેલી સવારે માતાજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી અને પરિવારની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

ભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. લાંબી કતારોમાં ઊભા રહેતા ભક્તોને કાળઝાળ ગરમી કે તડકાથી રાહત મળે તે માટે શેડ (મંડપ) અને પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ પીવાલાયક પાણીની પણ પૂરતી સુવિધા ઊભી કરાઈ છે. આ ઉપરાંત સ્વયંસેવકો પણ ખડેપગે સેવા કરી રહ્યા છે.
આજે પ્રથમ નોરતે સાંજ સુધીમાં અંબિકા નિકેતન મંદિરે અંદાજે 1 લાખ જેટલા ભક્તો મા અંબેના દર્શનનો લાભ લેશે તેવી વહીવટી તંત્ર દ્વારા શક્યતા વ્યક્ત કરાઈ છે. સુરત શહેરમાં ઘેર-ઘેર ઘટસ્થાપના સાથે ભક્તિમય માહોલ છવાયો છે અને ગરબા ગ્રાઉન્ડ્સ પર પણ થનગનાટ જોવા મળી રહ્યો છે.
