Surat News: સુરતમાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા નવરાત્રી પર્વ દરમ્યાન ખાદ્ય સુરક્ષા અને જન આરોગ્યની જાળવણી માટે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત 12થી 16 ઓક્ટોબર સુધીમાં નવરાત્રી આયોજકોને ત્યાં આવેલા કુલ 170 ફૂડ સ્ટોલ ચેક કરવામાં આવ્યા હતા. જ્યાં 159 ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા છે. તેમજ 51 ફૂડ સ્ટોલને નોટિસ ફટકારવામાં આવી છે.
સુરતમાં ખાનગી આયોજકો દ્વારા પાર્ટી પ્લોટ, હોલ, મોટા ગ્રાઉન્ડ તેમજ અન્ય સ્થળોએ યોજાયેલ ગરબાના મોટા આયોજનોમાં ફૂડ સેફટી ઓફિસરો દ્વારા ફૂડ ઇન્સ્પેક્શનની વિશેષ કામગીરી કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમ્યાન આયોજકોના સ્થળો પર ફૂડ સ્ટોલ્સનું ફૂડ સેફટી ઓફિસરો દ્વારા ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાદ્યપદાર્થ વિક્રેતાઓને સ્ટોલ પર સંપૂર્ણ સ્વચ્છતા જાળવવા તેમજ સ્વચ્છતાના નિયમોનું પાલન કરવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી.
આ પણ વાંચો
ખાદ્ય પદાર્થો બનાવતા તથા પીરસતા કારીગરો દ્વારા ફરજિયાતપણે એપ્રોન, ટોપી અને ગ્લોવ્ઝ (મોજાં) પહેરવા બાબતે વિશેષ તાકીદ કરવામાં આવી હતી. ગ્રાહકોને ઉત્તમ ગુણવત્તાયુક્ત અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ સાથે નિયમભંગ બદલ નોટિસો ફટકારવામાં આવી હતી.
હંગામી લાયસન્સ મેળવવા અંગે સ્થળ પર જ માર્ગદર્શન આપી, તમામ વેપારીઓને તાત્કાલિક લાયસન્સ મેળવી લેવા માટે આદેશ કરવામાં આવ્યા છે. વિવિધ ફૂડ સ્ટોલ્સમાંથી શંકાસ્પદ તથા ચકાસણી અર્થે ખાદ્યપદાર્થોના નમૂનાઓ (સેમ્પલ) લેવામાં આવ્યા છે, જેને પૃથ્થકરણ અર્થે સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
આ જગ્યાઓ પર કરાઈ તપાસ
ડુમસ રોડ સ્થિત એડવેન્ટા ઓલીવ નવરાત્રી ડોમમાં 10 ફૂડ સ્ટોલમાંથી 16 નમૂના લેવામાં આવ્યા છે. આ ઉપરાંત ડુમસ રોડ સ્થિત વાઈ.પી.ડી નવરાત્રી ડોમમાં 98 ફૂડ સ્ટોલમાંથી 12 નમૂના લેવામાં આવ્યા છે તેમજ 2ને નોટીસ આપવામાં આવી છે. આમ કુલ 18 ફૂડ સ્ટોલમાંથી 28 નમુના લઈને 2ને નોટીસ આપવામાં આવી છે.
આ ઉપરાંત અઠવા લાઈન્સ સ્થિત કૃષ્ણકુંજ પાર્ટી પ્લોટમાં સુરત મહાનગર પાલિકા દ્વારા આયોજિત ફૂડ ફેસ્ટીવલ 2026 ખાતેથી પણ વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓના 6 નમૂનાઓ લેવામાં આવ્યા છે આ તમામ નમુનાઓ પુથ્થકરણ [ટેસ્ટીંગ] માટે સુરત મહાનગર પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ફૂડ સેફટી ઓફિસરો દ્વારા 12 થી 16 ઓક્ટોબર સુધીમાં 12 નવરાત્રી આયોજકોને ત્યાં આવેલા કુલ 170 ફૂડ સ્ટોલ ચેક કરવામાં આવ્યા હતા અને 159 નમુનાઓ લઈને પુથ્થકરણ માટે સુરત મહાનગર પાલિકા પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે 51 ફૂડ સ્ટોલને નોટીસ આપવામાં આવી હતી. વધુમાં ફૂડ સેફટી વાન દ્વારા ડુમસ રોડ સ્થિત સુવર્ણ નવરાત્રી ખાતે ટેસ્ટીંગ, ટ્રેનીંગ તેમજ અવરનેસ અંગેની કામગીરી કરવામાં આવી હતી.
