સુરતના ભેસ્તાન વિસ્તારમાં ગોઝારી ઘટના, બાંધકામ સાઈટ પર પાણી ભરેલા ખાડામાં પડી જતા બે બાળકોના મોત

સુરતના ભેસ્તાનમાં ડાયમંડ બિઝનેસ પાર્કના બાંધકામ સ્થળે લિફ્ટના પાણી ભરેલા ખાડામાં ડૂબી જતાં 3 વર્ષના અલ્કેશ અને દોઢ વર્ષની રીતાના કરૂણ મોત નીપજ્યા છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 17 Oct 2026 03:26 PM (IST)Updated: Sat, 17 Oct 2026 03:26 PM (IST)
surat-bhestan-diamond-business-park-lift-pit-drown-2-kids-death

Surat News: સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક દુ:ખદ અને કરુણ ઘટના સામે આવી છે. અહી શ્રમિક પરિવારના બે બાળકો લિફ્ટના પાણી ભરેલા ખાડામાં પડી જતા બંને બાળકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે 3 વર્ષનો દીકરો અને દોઢ વર્ષની દીકરીના મોતને લઈને પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

શ્રમિક પરિવારના 2 બાળકો ખાડામાં પડ્યા

મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના વતની દીતાભાઈ કટારા પોતાની પત્ની અને બે સંતાનો સાથે સુરતના ભેસ્તાનમાં ડાયમંડ બિઝનેસ પાર્ક ખાતે મજૂરી કરી રહ્યા હતા. અહી બાંધકામ દરમિયાન લિફ્ટના પાણી ભરેલા ખાડામાં તેમનો 3 વર્ષનો દીકરો અલ્કેશ અને દોઢ વર્ષની દીકરી રીતા રમતા રમતા પડી ગયા હતા. જ્યારે તેઓએ પોતાના બાળકોની શોધખોળ કરી. તો બંને બાળકો પાણી ભરેલા ખાડામાંથી મળી આવ્યા હતા.

તબીબે બાળકોને મૃત જાહેર કર્યા

જ્યારે બંને બાળકોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાં ફરજ પરના તબીબે બંને બાળકોને તપાસ્યા. તો બંને બાળકોને મૃત જાહેર કરાયા હતા. બંને બાળકોના મોતને લીધે માતા-પિતા પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. ઘટના અંગે સુરત શહેરના ભીલ સમાજના પ્રમુખ હિતેશભાઈએ જણાવ્યું હતું કે, ભેસ્તાન વિસ્તારમાં ડાયમંડ બિઝનેસ પાર્કમાં કારખાનું બની રહ્યું છે. ત્યાં 7 થી 8 ફૂટનો લીફ્ટનો ખાડો હતો અને મજૂર પરિવારો ત્યાં કામ કરી રહ્યા હતા. તે અરસામાં બાળકોના પિતા શાકભાજી લેવા ગયા હતા અને બાળકો માતા સાથે ત્યાં હતા દરમ્યાન બાળકો લિફ્ટના ખાડામાં પડી ગયા હતા.

પીડિત પરિવારને યોગ્ય વળતરની માંગ

જ્યારે બાળકોની શોધખોળ કરવામાં આવી, ત્યારે સૌપ્રથમ દીકરી પાણીમાં તરતી મળી આવી હતી. દીકરીને બહાર કાઢી રહ્યા હતા. ત્યારે દીકરો પણ તરતો મળી આવ્યો હતો. બન્ને બાળકોને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા. જ્યાં બંને બાળકોના મોત થયા છે. સમાજના આગેવાન તરીકે પોલીસને અપીલ કરીએ છીએ કે, જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ બનાવ બન્યો છે, ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને પીડિત પરીવારને યોગ્ય આર્થિક વળતર નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારીશું નહી.