Nasirnagar Demolition: સુરતના નાસિરનગર ડિમોલિશનની કાર્યવાહી મામલે ગુજરાત હાઈકોર્ટે સખ્ત વલણ અપનાવ્યા બાદ આજે સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સુરત મ્યુનિસિપલ કમિશનર એમ.નાગરાજનને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.
જુનિયર કર્મચારીઓને સસ્પેન્ડ કરીને સંતોષ માન્યો, પરંતુ સીનિયર સામે કેમ કોઈ પગલા નહીં?
હકીકતમાં નાસીરનગરમાં પૂર્વ નોટિસ આપ્યા વિના ગેરકાયદેસર ડિમોલિશન કરીને 59 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન ફાઈલ કરવામાં આવી હતી. જે બાદ સુરત મનપાએ પીડિત પરિવારોને પીએમ આવાસ યોજના હેઠળ વૈકલ્પિક આવાસ પુરા પાડવા માટે સંમતિ દર્શાવી હતી. જો કે પુનર્વસનના નામે નાણાં માંગવાની નીતિ સામે હાઈકોર્ટે પાલિકા તંત્ર અને સરકારનો ઉધડો લીધો હતો.
હાઈકોર્ટે મનપાની દલીલો ફગાવતા જણાવ્યું કે, લોકોના ઘર ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવ્યા હોવાથી તેમના માટે નવા મકાનો પણ તંત્ર અને જવાબદાર અધિકારીઓએ જ આપવા પડે. આ સમગ્ર કેસમાં જુનિયર કક્ષાના કર્મચારીઓ વિરુદ્ધ જ પગલા લેવામાં આવ્યા છે. જો કે મ્યુનિસિપલ કમિશનર અને DCP કક્ષાના અધિકારીઓને પદ પર યથાવત રાખવામાં આવતા હાઈકોર્ટ સવાલ ઉઠાવ્યા હતા.
સુરત કલેક્ટરને મ્યુનિસિપલ કમિશનરનો વધારાનો હવાલો સોંપાયો
ગુજરાત સરકારના સત્તાવાર નોટિફિકેશન અનુસાર, સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનનની ગાંધીનગર બદલી કરવામાં આવી છે. આથી હવે એમ. નાગરાજન IAS રંજીતકુમારના સ્થાને સમગ્ર શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકેની જવાબદારી સંભાળશે. જ્યારે જ્યારે રંજીતકુમારને GERCના સચિવ તરીકે નિમણૂંક આપવામાં આવી છે.
આ સાથે જ સુરતના કલેક્ટર તરીકે ફરજ બજાવતા તેજસ પરમારને વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. એમ.નાગરાજનની બદલી થતાં હવે તેજસ પરમાર સુરત મ્યુનિસિપલ કમિશનરનો વધારાનો હવાલો પણ સંભાળશે.
