Surat Crime News: સુરતના લિંબાયત વિસ્તારમાં સોમવારે વહેલી સવારે એક હત્યાના આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર જીવલેણ હુમલો થતા પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું છે. PI દ્વારા આરોપીના પગમાં ગોળી વાગી છે. જ્યારે આરોપીના હુમલામાં એક કોન્સ્ટેબલ પણ ઈજાગ્રસ્ત થયો છે. આ સમગ્ર વિસ્તારને હાલ પોલીસે કોર્ડન કરી લીધો છે.
નજીવી બાબતે સગીરની કરી નિર્મમ હત્યા
આ બનાવ અંગે PI ડી. ડી. ચૌહાણના જણાવ્યા અનુસાર, લિંબાયતમાં ગણેશ નગર પાસે ગત 10 મે, રવિવારની રાત્રે 9:30 વાગ્યાના અરસામાં 17 વર્ષીય અનુરાગ ઉર્ફે રાજ પવાર પોતાના મિત્ર સાથે બાઈક પર જઈ રહ્યો હતો, ત્યારે આરોપી રાહુલ જોગીની બાઈક સાથે ટક્કર થઈ હતી. આ નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાયેલા રાહુલે ચપ્પુના ઘા મારીને અનુરાગની ઘાતકી હત્યા કરી નાખી હતી.
હત્યાના આરોપીએ કર્યો પોલીસ પર હુમલો
આ ઘટના બાદ ફરાર રાહુલને પકડવા માટે લિંબાયત પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી હતી. વહેલી સવારે 6 વાગ્યાના ગાળામાં પોલીસને બાતમી મળી હતી કે આરોપી મીઠીખાડી વિસ્તારમાં એક પાણીની ટાંકી પાસે આવેલી અવાવરું જગ્યાએ સંતાયો છે. પોલીસ ટીમ જ્યારે તેને પકડવા પહોંચી ત્યારે ભાગવાના પ્રયાસમાં રાહુલે હેડ કોન્સ્ટેબલ મુકેશ બાગુલ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો.
પોલીસ અધિકારીએ સ્વબચાવમાં કર્યું ફાયરિંગ
પોલીસ જવાન પર હુમલો થતા અને પરિસ્થિતિ વણસતી જોઈને લિંબાયત PI ડી.ડી. ચૌહાણે સ્વબચાવમાં પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી તાબડતોબ બે રાઉન્ડ ક્રોસ ફાયરિંગ કર્યું હતું. આમાંથી એક ગોળી આરોપી રાહુલના જમણા પગમાં વાગતા તે જમીન પર ઢળી પડ્યો. આ 'હાફ એન્કાઉન્ટર'ના સ્થળ પર લોહીના સ્પષ્ટ નિશાન અને પુરાવા પણ જોવા મળ્યા છે.
આ ઘટના બાદ આરોપી રાહુલને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યારે ઘાયલ કોન્સ્ટેબલ મુકેશ બાગુલને ગોડાદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
હત્યાના આરોપીનો ભયાનક ગુનાહિત ઈતિહાસ
નોંધનીય છે કે, 28 વર્ષીય રાહુલ જોગી એક રીઢો ગુનેગાર છે. તેની સામે લૂંટ, ચેઇન સ્નેચિંગ, અને મારામારી સહિતના 17 જેટલા ગંભીર ગુના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. અગાઉ તે 3 વખત PASA હેઠળ જેલની સજા પણ ભોગવી ચૂક્યો છે. હાલમાં હોસ્પિટલના બિછાને પોલીસ બંદોબસ્ત વચ્ચે સારવાર લઈ રહેલો રાહુલ 'ફરી આવું ન કરવાનું' બૂમો પાડીને કણસી રહ્યો છે.
