VIDEO: સુરતનો કુખ્યાત ડ્રગ માફિયા શિવા ઝાલા SOGના સકંજામાં સીધોદોર, બે હાથ જોડી બોલ્યો- 'હવે આવા સીનસપાટા નહીં કરું'

સલાબતપુરામાં શિવા ઝાલાએ કાપડના વેપારીને ચાકુની અણીએ ધમકાવીને તેમની પાસેથી 1.20 લાખ રૂપિયા પડાવી લીધા હતા. તેમજ સુરતમાં ધંધો કરવો હોય, તો દર મહિને હપ્તો આપવો પડશે તેવી ધમકી આપી હતી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 10 May 2026 06:04 PM (IST)Updated: Sun, 10 May 2026 06:04 PM (IST)
surat-news-notorious-drug-mafia-shiva-jhala-caught-by-sog-video-goes-viral
HIGHLIGHTS
  • શિવા ઝાલા સોશિયલ મીડિયામાં પોતાને દુનિયાનો રાજા ગણાવતો હોય તેવી રીલ્સ બનાવતો
  • અગાઉ પણ પોલીસે શિવાને બે કાન પકડીને માફી મંગાવીને વીડિયો બનાવ્યો હતો

Surat: સુરત સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ (SOG) પોલીસની ટીમે જામીન પર છૂટીને સોશિયલ મીડિયામાં સીનસપાટા કરી રહેલા કુખ્યાત શિવા ઝાલાની શાન ઠેકાણે લાવી દીધી છે. સોશિયલ મીડિયામાં પોતાને દુનિયાનો રાજા ગણાવતો શિવા ઝાલા પોલીસ સકંજામાં સીધોદોર થઈ ગયો હતો અને બે હાથ જોડીને માફી માંગતો જોવા મળ્યો હતો.

પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત…

કુખ્યાત શિવા ઝાલા ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને ઘણીવાર જેલની હવા ખાઈ ચૂક્યો છે. જેલમાં રહેવા દરમિયાન પણ શિવા ઝાલા અન્ય કેદીઓ સાથે મારામારી કરી ચૂક્યો છે.

સુરત પોલીસ દ્વારા પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શિવા ઝાલાનો એક વીડિયો મૂકવામાં આવ્યો છે. જેમાં શિવા ઝાલા સીનસપાટા કરી રહ્યો છે, જ્યારે બેકગ્રાઉન્ડમાં 'આંખે તો ખોલો સ્વામી..' ગીત વાગી રહ્યું છે અને શાહરૂખ ખાનનો ડાયલોગ 'પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત' આવે છે.

જે બાદ બીજા સીનમાં શિવા ઝાલા બે હાથ જોડીને વાંકો વળેલો જોઈ શકાય છે. જેમાં તે કહી રહ્યો છે કે, હું શિવા ઝાલા, પંચશીલનગરનો લુખ્ખો છું. એમ.ડી.નો વેપારી છું. હવેથી હું રીલ્સ નહીં બનાવું. લુખ્ખાગીરી નહી કરું અને આવા સીન સપાટા નહીં કરું. આ બદલ હું માફી માંગુ છું.

કાપડના વેપારીને ચાકુની અણીએ ધમકી આપીને પૈસા પડાવ્યા

શહેરના સલાબતપુરામાં શિવા ઝાલાએ કાપડના વેપારીને ચાકુની અણીએ ધમકાવીને તેમની પાસેથી 1.20 લાખ રૂપિયા પડાવી લીધા હતા. તેમજ સુરતમાં ધંધો કરવો હોય, તો દર મહિને હપ્તો આપવો પડશે તેવી ધમકી આપી હતી. આ મામલે શિવા ઝાલા વિરુદ્ધ ખંડણીનો ગુનો પણ નોંધાયો હતો.

અગાઉ શિવા ઝાલા ડ્રગ્સ કેસમાં જેલની હવા ખાઈ ચૂક્યો છે. થોડા સમય પહેલા જ તે જામીન પર છૂટીને જેલમાંથી બહાર આવ્યો હતો. તે સોશિયલ મીડિયામાં ગુનાખોરીના ગુણગાન અને પોતાને ડોન દર્શાવતો હોય તેવી રીલ્સ બનાવતો હતો.

પોલીસથી બચવા ઘરની આસપાસ CCTVની માયાજાળ

કુખ્યાત શિવા ઝાલાએ પોલીસ પકડથી બચવા માટે પોતાના ઘરની આસપાસ 25 જેટલા હાઈ-ડેફિનેશન CCTV કેમેરા ઈન્સ્ટોલ કર્યાં હતા. જેનું મોનિટરિંગ તે પોતાના 55 ઈંચના LED સ્ક્રીન પર કરતો હતો. તેમજ ડ્રગ્સ માટે 'કપડું' અને પોલીસ માટે 'કાટી' જેવા કોડવર્ડ વાપરતો હતો.