Ahmedabad: વેજલપુરમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાત, પિયરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધો

મૃતકની જૂની કાર વેચવાથી મળેલા રૂ. 50 હજાર જોઈતા હોવાથી પતિ દરરોજ ઝઘડા કરીને શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતો હતો. જેથી કંટાળીને તે પોતાના પિયર રહેવા આવી ગઈ હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 10 May 2026 05:03 PM (IST)Updated: Sun, 10 May 2026 05:03 PM (IST)
ahmedabad-news-woman-commit-suicide-by-hang-her-self-due-to-torture-by-in-laws
ફાઈલ ફોટો
HIGHLIGHTS
  • પ્રેમલગ્ન કર્યાના બે મહિનામાં જ પતિ સહિત સાસરિયાઓનો જુલમ
  • વ્હોટ્સએપમાં દીકરી અને જમાઈ વચ્ચે છૂટાછેડાની ચેટ જોઈ પિતા પોલીસ પાસે પહોંચ્યા

Ahmedabad Suicide: શહેરના વેજલપુર વિસ્તારમાં પોતાના પિયરમાં રહેતી પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે તેના પતિ અને સાસુ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.

પરિણીતાને પીરિયડના સમયે સાસુ પરાણે પિયર તગેડી દેતા

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વેજલપુર વિસ્તારના શાંતિનાથ એપાર્ટમેન્ટમાં રહેતા કિશોર માલવિયાની દીકરી ઉર્વીએ માર્ચ-2026માં ન્યૂ વાસણા વિસ્તારમાં રહેતા શ્રેયાંક ઠાકોર નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યાં હતા. જો કે લગ્ન બાદ ઉર્વી બ્યૂટીપાર્લરમાં કામ કરતી હતી, તો તેનો બધો પગાર સાસરિયાઓ ઘરખર્ચમાં માટે લઈ લેતા હતા.

પરિણીતાને પીરિયડના સમયે ઘર અભડાય નહીં તેવા બહાને પિયર મોકલી દેવામાં આવતી હતી. પોતાની જૂની અલ્ટો કાર વેચવાથી પરિણીતાને 50 હજાર રૂપિયા મળ્યા હતા, જે મેળવવા માટે પતિ શ્રેયાંક સતત ઝઘડા કરતો હતો. જેના પરિણામે ગત 20 એપ્રિલના રોજ ઉર્વી પોતાના પિયર આવી ગઈ હતી.

ગત 24 એપ્રિલે માતા-પિતા કોઈ કામ અર્થે બહાર ગયા ત્યારે ઉર્વીએ બેડરૂમના પંખામાં દુપટ્ટાનો ફંદો બનાવીને ફાંસો ખાઈ લીધો હતો. દીકરીના મૃત્યુ બાદ પિતાએ તેનો મોબાઈલ ફોન તપાસ્યો, જેમાં તેની પતિ સાથે વોટ્સઅપ ચેટમાં છૂટાછેડાની વાતચીત સામે આવી હતી. આખરે પિતા કિશોર માલવિયાએ આ પુરાવાના આધારે વેજલપુર પોલીસ મથકમાં પોતાના જમાઈ શ્રેયાંક ઠાકોર અને સાસુ રેખાબેન વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.