Surat: શહેરના વરાછા વિસ્તારમાં આવેલ લંબે હનુમાન રોડ સ્થિત સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)ની બ્રાન્ચમાં લૂંટ કેસના આરોપીએ પોલીસ જાપ્તામાંથી નાસવાનો પ્રયાસ કરતાં પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ અને વરાછા પોલીસની ટીમ SBI બેંક લૂંટના આરોપીઓને ગુનામાં વપરાયેલ હથિયાર રિકવર કરવા માટે કન્યાસી ગામની સીમમાં લઈ ગઈ હતી. જ્યાં આરોપી શુભમ ઠાકુરે પોલીસ ઉપર ફાયરિંગ કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ પોલીસ ઉપર અચાનક હુમલો કરતાં ACP ક્રાઈમ કે.આઈ.મોદીએ પણ સ્વબચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું છે.
ગુનામાં વપરાયેલી ગન રીકવર કરવા લઈ જતાં બન્યો બનાવ
હકીકતમાં પોલીસ બેંક લૂંટના બન્ને આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતુ. જેમાં લૂંટ સમયે જે ગનનો ઉપયોગ કર્યો હતો, તેને રીકવર કરવા માટે કન્યાસી ગામની સીમમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં શુભમ ઠાકુર નામના આરોપીએ પોલીસને ચકમો આપીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવતા શુભમને પગમાં ગોળી વાગી હતી. હાલ આરોપીને સારવાર અર્થે સુરત સિવિલમાં ખસેડવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
ગત 27 એપ્રિલના રોજ સુરતની સ્ટેટ બેંકમાં ધોળા દિવસે ફિલ્મી સ્ટાઈલમાં રૂ. 50 લાખની દિલધડક લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉત્તર પ્રદેશના અયોધ્યા અને ગૌંડામાંથી શુભમ ઠાકુર અને વિકાસસિંહ નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ લૂંટનો માસ્ટરમાઈન્ડ કુંદન ભગત હોવાનું સામે આવ્યું છે. જે હાલ પટનાની સેન્ટ્રલ જેલમાં કેદ છે.કુંદન ભગતે જેલમાં બેઠા-બેઠા પોતાના સાગરિતોની મદદથી બેંક લૂંટવાનું આખું કાવતરૂં ઘડ્યું હતુ.
બેંક લૂંટને અંજામ આપતા પહેલા આરોપીઓએ બે મહિના સુધી સુરતના જહાંગીરપુરા, રાંદેર અને વેડ રોડમાં નકલી આધાર કાર્ડ પર ભાડાના મકાનમાં રહ્યા હતા. આ દરમિયાન તેમણે બેંકની અનેકવાર રેકી કરી હતી.
