Surat: ગત 1 જાન્યુઆરી 2026ના રોજ રીવા જિલ્લાના શિવપુર વિસ્તારમાં લૌકિક મેળો ભરાયો હતો જે મેળામાં મૃતક અતિક અહેમદ શેખ પણ તેના મિત્રો સાથે ફરવા આવ્યો હતો, ત્યારે મેળામાં આવનાર લોકોને ચાંદલો લગાવી સ્વાગત કરવામાં આવતું હતું.
આથી મૃતક અતિક અહેમદ શેખએ ચાંદલો લગાવવાનો વિરોધ કરતા મેળાનું વાતાવરણ તંગ બની ગયું હતું અને બંને કોમના લોકો સામસામે આવી જતા તેઓ વચ્ચે મારામારી થઇ હતી.
આ ઝઘડાની અદાવત રાખી ગત 27 જાન્યુઆરી 2026ના રોજ જ્યારે અતિક અહેમદ શેખ ટેમ્પો લઈને પસાર થતો હતો, ત્યારે આરોપીઓએ લાકડી અને ડંડા વડે તેના પર હુમલો કરી મરણતોલ માર માર્યો હતો અને સારવાર દરમ્યાન અતિકનું મોત નીપજ્યું હતું,
સુરત SOG પોલીસને બાતમી મળી હતી કે, મધ્ય પ્રદેશ રાજ્યના રીવા જિલ્લાના પનવાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટીંગ વિથ મર્ડરના ગુનામાં નાસ્તા ફરતા 3 આરોપીઓ સુરતના અડાજણ વિસ્તારમાં ચાલતા મેટ્રો રેલ પ્રોજેક્ટ પાસે ફરી રહ્યા છે.
આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આકાશસિંગ ઉર્ફે સૌરભ સીંગ બુદ્ધરાજ રાજપૂત, સત્યમસીંગ સમરબહાદુર રાજપૂત અને અજીતસિંગ તીર્થંરાજ રાજપૂતને ઝડપી પાડ્યા હતા.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, હત્યા બાદ પોલીસની ધરપકડથી બચવા માટે ત્રણેય આરોપીઓ ભાગીને સુરત આવી ગયા હતા. અહીં તેઓ છેલ્લા ચાર મહિનાથી અડાજણ વિસ્તારમાં મેટ્રો રેલ પ્રોજેક્ટમાં પ્રાઈવેટ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. સુરત પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી મધ્યપ્રદેશ પોલીસને આરોપીઓનો કબજો સોપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ ગંભીર ગુના બાદ રીવા જિલ્લામાં વાતાવરણ તંગ બનતા રીવા પોલીસ અધિકક્ષ દ્વારા SITની રચના કરવામાં આવી હતી અને 100 થી વધુ પોલીસ અધિકારી/કર્મચારીઓ આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી હતી.
વતનની છોકરીને મેસેજ કરવા બાબતે યુવકનું ખૂન, મિત્રએ કાતરના ઘા મારી ઢીમ ઢાળ્યું
સુરતના પુણા વિસ્તારના શાંતિ ભવનમાં આવેલા એક એમ્બ્રોઇડરીના ખાતામાં 39 વર્ષીય ચાંદ સાલેહાર બીબી અને તેનો સાથીદાર મુસા સલામભાઈ શેખ (20) (બંને રહે મૂળ પશ્ચિમ બંગાળ) સાથે કામ કરતા હતા. વતનની કોઈ છોકરીને મેસેજ કરવા બાબતે આ બંને મિત્રો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મશ્કરી ચાલતી હતી. આ સામાન્ય મશ્કરીએ આજે સવારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
આજે સવારે મુસા શેખ એકાએક ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે એમ્બ્રોઇડરીના કામમાં વપરાતી કાતર વડે ચાંદ સાલેહાર પર હુમલો કર્યો હતો. મુસાએ ચાંદ સાલેહારની પીઠના ભાગે કાતરના બે થી ત્રણ ઘા ઝીંકી દીધા હતા. હુમલો એટલો જોરદાર હતો કે, ચાંદ સાલેહાર લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો અને ગંભીર ઈજાઓને કારણે તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
