Surat News: સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં દિવાળીના દિવસે ફટકડા ફોડવા જેવી નજીવી બાબતે પ્રસિદ્ધ ઉર્ફે સન્ની નામના યુવકની સરેઆમ ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલા પાંચેય આરોપીઓને આજે પોલીસ ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈને આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટી પડ્યા હતા.
જાહેર રોડ પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકને ઢાળી દીધો હતો
ખટોદરા પોલીસ મથકની હદમાં આવેલા રસુલાબાદ આઝાદનગરમાં દિવાળીના દિવસે ફટાકડા ફોડવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પાંચ શખ્સો પ્રસિદ્ધ ઉર્ફે સની નામના યુવક પર તિક્ષ્ણ હથિયાર લઈને તૂટી પડ્યા હતા. જાહેર રોડ પર પ્રસિદ્ધને પેટ અને છાતીના ભાગે આડેધડ ઘા ઝીંકતા તે સ્થળ પર જ લોહીના ખાબોચિયામાં ફસડાઈ ગયો હતો. જે બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
બીજી તરફ આ બનાવની જાણ થતાં ખટોદરા પોલીસે ટેક્નીકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જાવેદ ઉર્ફે નવાબ શેખ, હંશરાજ કુશવાહ, શાકીબ મણિયાર, શાહીદ શેખ અને પિયુષ સાહુને ઝડપી પાડ્યા હતા.
લંગડાતા પગે લવાયેલા આરોપીઓએ બે હાથ જોડી સ્થાનિકોની માફી માંગી
આજે ખટોદરા પોલીસ દ્વારા તમામ આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લઈને આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે દોરડાથી બાંધેલી હાલતમાં આરોપીઓ લંગડાતી ચાલે આઝાદનગરના જાહેર રોડ પર લવાતા મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હતી. આ સમયે સ્થાનિકોનો રોષ પારખીને તમામ આરોપીઓએ બે હાથ જોડીને માફી માંગતા જોવા મળ્યા હતા. હાલ તો પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
