Surat News: સુરત શહેરમાં જાણે કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર જ ન હોય તેમ ડીંડોલી વિસ્તારમાં માત્ર ચોરીની આશંકાએ એક નિર્દોષ શ્રમિક યુવકની અત્યંત નિર્દયતાપૂર્વક હત્યા કરી દેવાઈ છે. 11 નવેમ્બરના રોજ બપોરના સમયે સણીયા કણદે ગામના પાર્ટી પ્લોટમાં રોજી રોટી માટે ઘાસ કાપવા ગયેલા અનિલ ભીખુ રાઠોડ અને તેના મિત્ર ગોપાલ રાઠોડ પર 6 શખ્સોની ટોળકીએ ચોર હોવાની આશંકા રાખી હતી.
અપહરણ કરી થાંભલે બાંધ્યા
આરોપીઓએ માનવતાને નેવે મૂકીને બંને યુવકોને જાતિવિષયક અપમાનિત કરી ગાડીમાં અપહરણ કર્યું અને કરાડવા ગામના રાધેક્રિષ્ના પાર્ટી પ્લોટ ખાતે લઈ જઈને અમાનવીય અત્યાચાર ગુજાર્યો હતો. બંને યુવકોને પાર્ટી પ્લોટના ડોમના થાંભલા સાથે દોરડા વડે બાંધીને લાકડાના ફટકા અને ઈલેક્ટ્રિક વાયર વડે અમાનુષી રીતે ઢોર માર માર્યો હતો. આ જીવલેણ હુમલામાં ખૂબ જ ગંભીર ઈજાઓને લીધે અનિલ રાઠોડનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.
પોલીસનો સપાટો, 6 આરોપી જેલભેગા
ઘટનાની ગંભીરતાને પગલે ડિંડોલી પોલીસે હત્યા અને એટ્રોસિટી એક્ટ હેઠળ FIR દાખલ કરી હતી. તેમજ આરોપીઓને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે બાતમીદારોના નેટવર્ક અને ટેક્નિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને ગણતરીની કલાકોમાં જ હત્યામાં શામેલ 6 આરોપીઓ રાહુલ મૌર્યા, વિજય ઉર્ફે સોનુ મૌર્યા, અભિષેક મૌર્યા, સુજીત યાદવ, સુમિતસિંહ અને મહેન્દ્ર ઉર્ફે સોલુ મૌર્યાને દબોચી લીધા હતા.
હવે ભોગવવી પડશે કડક સજા
આશ્ચર્યની વાત એ છે કે, ડિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડેલા વિજય, રાહુલ, અભિષેક, સુમિત, સુજીત અને મહેન્દ્રનો અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. પરંતુ ઉશ્કેરાટમાં કાયદો હાથમાં લેવા બદલ હવે આ તમામ સામે હત્યા અને એટ્રોસિટી જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે પુરાવા રૂપે દોરડું કબજે કરી તમામને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી શરૂ કરી છે.
