Surat News: સુરત શહેર નજીક આવેલા ભાઠા ગામ વિસ્તારમાં ભૂસ્તર વિભાગની ટીમે રેડ પાડી તાપી નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ ઝડપી પાડી હતી. કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી રેતી કાઢવા માટે વપરાતું હિટાચી મશીન, રેતી ભરેલી નાવડી અને મોટા પ્રમાણમાં ખનન કરેલ રેતીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીના પગલે ખનન સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
ભાઠા ગામ નજીક ભૂસ્તર વિભાગનો દરોડો
આ પણ વાંચો
આ મામલે મળતી માહિતી મુજબ, ભૂસ્તર વિભાગની ટીમને ભાઠા ગામ નજીક તાપી નદીના કિનારે ગેરકાયદેસર રીતે રેતી અને માટીનું ખનન થતું હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે વિભાગની ટીમે સ્થળ પર ઓચિંતો દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન નદીના પટમાં ચાલતી ખનન પ્રવૃત્તિ ઝડપી પાડવામાં આવી હતી. લાંબા સમયથી બેફામ રીતે ચાલતી પ્રવૃત્તિ સામે તંત્રની અચાનક કાર્યવાહીથી રેતી માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
હિટાચી મશીન અને રેતી ભરેલી નાવડી જપ્ત
ભૂસ્તર વિભાગની કાર્યવાહીમાં સ્થળ પરથી નદીમાંથી રેતી કાઢવા માટે ઉપયોગમાં લેવાતું હિટાચી મશીન, રેતી ભરેલી નાવડી તેમજ મોટા પ્રમાણમાં ખનન કરેલ રેતીનો જથ્થો કબજે લેવામાં આવ્યો છે.
સ્થાનિક સ્તરે લાંબા સમયથી ખનન માફિયાઓ દ્વારા નદીના પટમાંથી બેફામ રીતે રેતી કાઢવામાં આવતી હોવાનો આક્ષેપ છે. આ પ્રવૃત્તિને કારણે પર્યાવરણ અને તાપી નદીના કુદરતી પ્રવાહને નુકસાન પહોંચી રહ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે.
ખનન પાછળ કોણ સામેલ તેની તપાસ તેજ
ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલની માપણી અને મૂલ્યાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગેરકાયદે ખનન પ્રવૃત્તિ પાછળ કોણ-કોણ સંડોવાયેલું છે તેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. તપાસના આધારે જવાબદાર લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા અને દંડ વસૂલવા માટે તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
