સુરત: ભેસ્તાનમાં સગીરાની કરાટે ટ્રેનિંગના વાયરલ વીડિયો મામલે કાર્યવાહી, આરોપી ઝડપાયો; પોલીસ તપાસ શરૂ

વાયરલ વીડિયો પર કોમેન્ટ કરનાર વ્યક્તિની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 29 Nov 2026 04:33 PM (IST)Updated: Sun, 29 Nov 2026 04:33 PM (IST)
surat-bhestan-minor-girl-karate-training-viral-video-controversy-police-investigation-accused-detained

Surat News: સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં ચાલી રહેલા કરાટે ક્લાસમાં એક સગીરા સાથે ટ્રેનરની તાલિમનો વીડિયો અને તેના પર કરેલી બિભત્સ કોમેન્ટો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિવાદ સર્જાયો છે. હિન્દુ સંગઠનોએ કરાટે ક્લાસ અને ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે પોલીસે ટ્રેનર મોહમ્મદ શહાબુદ્દીન મોહમ્મદ સફીક અહેમદ અન્સારીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. જ્યારે, વીડિયો પર કોમેન્ટ કરનાર વ્યક્તિની ઓળખ મેળવવા પણ તપાસ ચાલી રહી છે.

સગીરાના ટ્રેનિંગ વીડિયો અને કોમેન્ટનો વિવાદ

મળતી માહિતી મુજબ, ભેસ્તાન ત્રણ રસ્તા વિસ્તારમાં કરાટે ટ્રેનર મોહમ્મદ શહાબુદ્દીન મોહમ્મદ સફીક અહેમદ અંસારી નાના બાળકો અને મોટી ઉંમરના લોકોને કરાટે તથા માર્શલ આર્ટ્સની તાલીમ આપે છે. તેઓ તાલીમ સંબંધિત પ્રમોશનલ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતા હોય છે.

આ દરમિયાન એક સગીરાને તાલીમ આપતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો પર અન્ય એક વ્યક્તિએ બિભત્સ કોમેન્ટ કરી હતી, જેના જવાબમાં ટ્રેનરે ઈમોજીથી પ્રતિક્રિયા આપી હતી. આ બાબત સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

હિન્દુ સંગઠનોના કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો

વીડિયો વાયરલ થયા બાદ મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો તથા કાર્યકરો કરાટે ક્લાસિસની બહાર એકઠા થયા હતા. કાર્યકરોએ સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ હિન્દુ સંગઠનોના કાર્યકરો ભેસ્તાન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી.

ACP એન. પી. ગોહિલે જણાવ્યું કે, ટ્રેનર મોહમ્મદ શાહાબુદ્દીન મોહમ્મદ સફીક અહેમદ અંસારીએ ઈન્સ્ટાગ્રામ પર સગીરાને તાલીમ આપતો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો પર અન્ય વ્યક્તિએબિભત્સ કોમેન્ટ કરી હતી અને ટ્રેનરે તેના જવાબમાં ઈમોજીથી પ્રતિક્રિયા આપી હતી. આ બાબત સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો ભેસ્તાન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી.

સગીરા અને તેના માતા-પિતાના નિવેદન નોંધાયા

ACP એન. પી. ગોહિલના જણાવ્યા અનુસાર, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભેસ્તાન પોલીસની ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસે સગીરા અને તેના માતા-પિતાને બોલાવી તેમની પૂછપરછ કરી હતી. આ ઉપરાંત તેમના નિવેદનો અને વીડિયોગ્રાફી સ્ટેટમેન્ટ પણ લેવામાં આવ્યા હતા.

પોલીસે કરાટે ક્લાસિસના સંચાલક અને ટ્રેનર મોહમ્મદ શાહાબુદ્દીનની પણ પ્રાથમિક પૂછપરછ કરી હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ સુલેહ-શાંતિનો ભંગ ન થાય તે માટે ટ્રેનર વિરુદ્ધ યોગ્ય અટકાયતી પગલાં લેવામાં આવ્યાં છે.

બિભત્સ કોમેન્ટ કરનાર અજાણ્યા શખ્સની તપાસ

પોલીસના જણાવ્યા અનુસાર, સગીરાના વીડિયો પર ઈન્સ્ટાગ્રામમાં બિભત્સ કોમેન્ટ કરનાર વ્યક્તિ કોણ છે તેની તપાસ ચાલુ છે. આ વ્યક્તિની ઓળખ અને અન્ય વિગતો મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિરોધ પ્રદર્શન દરમિયાન હિન્દુ સંગઠનોના કાર્યકરોએ કરાટે ક્લાસીસની તમામ પરમિશન અને દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવાની માંગ કરી હતી.

કરાટે ક્લાસની મંજૂરી-ફાયર સેફ્ટી અંગે સવાલ

વિરોધ પ્રદર્શન દરમિયાન હિન્દુ સંગઠનોના કાર્યકરોના આક્ષેપ મુજબ, પ્રાથમિક તપાસમાં ક્લાસિસની અંદર ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ અને ઈમરજન્સી એક્ઝિટની સુવિધા ન હોવાનું સામે આવ્યું છે. આટલી ગંભીર બેદરકારી હોવા છતાં ક્લાસિસને મંજૂરી કેવી રીતે મળી તે અંગે પણ તંત્ર સામે સવાલ ઉઠાવવામાં આવ્યા છે. ક્લાસિસની સુરક્ષા વ્યવસ્થા અને જરૂરી મંજૂરી અંગે તપાસ કરવાની માંગ પણ કરવામાં આવી છે.