Surat Food Poisoning: ધારાસભ્ય કુમાર કાનાણીનો આરોગ્ય મંત્રીને પત્ર, ભેળસેળિયા તત્ત્વો સામે કડક કાયદો બનાવવાની માંગ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 21 Aug 2026 05:32 PM (IST)Updated: Fri, 21 Aug 2026 05:32 PM (IST)
surat-food-poisoning-mla-kumar-kanani-writes-to-health-minister-demands-tougher-food-safety-laws

Surat Food Poisoning: સુરતમાં એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગ થયા બાદ બાળકીનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ મનપાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને હોટલ,રેસ્ટોરન્ટ તેમજ ઢાબા પર તપાસ કરીને અખાદ્ય ખોરાકનો નાશ તેમજ હોટલ અને રેસ્ટોરન્ટ બંધ કરાવવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવામાં ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને પત્ર લખ્યો છે. જેમાં તેમણે ભેળસેળિયા તત્વો માટે કડક કાયદો બનાવવાની માંગ કરી છે.

ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, હાલમાં થઇ રહેલ ચેકીંગમાં હોટલ અને રેસ્ટોરન્ટની અંદર આટલા મોટા પ્રમાણમાં ભેળસેળ, અખાદ્ય પદાર્થો અને ગંદકી પકડાય છે, તેમાં જે જવાબદાર હોય તેની સામે શું પગલા ભરવામાં આવ્યા છે?

હાલ સુરતમાં ફૂડ પોઈઝનમાં એક પાંચ વર્ષની બાળકીનું મૃત્યું થયા બાદ કાર્યવાહી શરુ કરવામાં આવી છે. ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ-નકલી બનાવટો રેસ્ટોરન્ટ તેમજ હોટલમાં સફાઈ બાબતે તેમજ એનાલોગ પનીર પર પ્રતિબંધ જેવા પગલા ભરાઈ રહ્યા છે. તેને હું આવકારું છું અને અભિનંદન આપું છું, પરંતુ આ બધી સમસ્યાનો કાયમી ઉકેલ શું તે દિશામાં નક્કર કામગીરી થવી જોઈએ તેવું મારું માનવું છે.

પત્રમાં તેમણે સવાલો ઉઠાવ્યા હતા કે , સુરતમાં ફૂડ પોઈઝનમાં એક બાળકીનું મૃત્યુ થયું છે. તેની સામે શું કાર્યવાહી થઇ છે ? હોટલ-રેસ્ટોરન્ટમાં ચેકિંગ દરમ્યાન અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવે છે, પણ તેની સામે કાયદાકીય શું કાર્યવાહી કરવામાં આવે છે? અખાદ્ય પદાર્થોનો નાશ કરી સંતોષ માનવામાં આવે છે. તેનાથી શું પરિણામ આવશે ?

ચેકિંગ દરમ્યાન ધણી હોટલ-રેસ્ટોરન્ટના સીલ મારવામાં આવે છે, પરંતુ સીલ મારીને હોટલ-રેસ્ટોરન્ટ સામે પછી શું કાર્યવાહી કરવામાં આવશે ? ચેકિંગ દરમ્યાન ધણી હોટલ-રેસ્ટોરન્ટને નોટીસ આપવામાં આવી છે. નોટીસ આપ્યા પછી શું કાર્યવાહી કરવાની છે?

આ બધી કાર્યવાહી કરવાથી શું ભેળસેળ-નકલી બનાવટ કે સ્વચ્છતાનું કાયમી ઉકેલ-પરિણામ આવવું મુશ્કેલ છે. થોડા દિવસ અભિયાન ચાલે પછી ફરી એની એ જ પરીસ્થિતિ કારણ કે આ બધું બંધ કરવા માટે કોઈ કડક કાયદો અને કડક અમલીકરણ નથી. જેથી લોકોને કાયદાનો ડર પેદા થાય. તેનાથી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ-નકલી બનાવનારા માફિયા બેફામ બન્યા છે. જેને નાથવા માટે કડક કાયદો બને અને તે કાયદાનો પ્રમાણિકતાથી કડક અમલ થાય.