Bhavnagar Hooch Tragedy: મંત્રી જીતુ વાઘાણી સર ટી. હોસ્પિટલની મુલાકાતે, લઠ્ઠાકાંડના અસરગ્રસ્ત દર્દીઓના ખબરઅંતર પૂછ્યા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 21 Aug 2026 05:03 PM (IST)Updated: Fri, 21 Aug 2026 05:03 PM (IST)
bhavnagar-hooch-tragedy-minister-jitu-vaghani-visits-sit-t-hospital

Bhavnagar Hooch Tragedy: ભાવનગરમાં ભેળસેળયુક્ત ઝેરી દારૂની ગંભીર ઘટનાને પગલે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આજે સર.ટી. હોસ્પિટલની મુલાકાત લઈ સારવાર હેઠળ રહેલા અસરગ્રસ્ત દર્દીઓના ખબરઅંતર પૂછ્યા હતા. જ્યાં તેમણે દર્દીઓની રૂબરૂ મુલાકાત કરી તેમની તબિયત અંગે જાણકારી મેળવી હતી તેમજ હોસ્પિટલમાં ઉપલબ્ધ સારવાર અને આરોગ્યલક્ષી સુવિધાઓની સમીક્ષા કરી હતી.

 આ દુઃખદ ઘટનામાં આઠ લોકોના મૃત્યુ અંગે રાજ્ય સરકાર વતી ઊંડા દુઃખ અને સંવેદના વ્યક્ત કરતાં પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ મુશ્કેલ ઘડીમાં રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનો સાથે સંપૂર્ણ સંવેદનાથી ઊભી છે. સમગ્ર ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.

આ ઘટનાની જાણ થતાં જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી પોલીસ વિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. અસરગ્રસ્ત લોકોને શોધી કાઢી હોસ્પિટલમાં ખસેડવા, મેડિકલ તપાસ કરાવવા અને જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવવા પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા ઝડપી કામગીરી કરવામાં આવી હતી.

હાલમાં 19 લોકો સારવાર હેઠળ છે, જ્યારે 16 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. પોલીસ દ્વારા આશરે 29 લોકોને શોધી કાઢી તેમની મેડિકલ તપાસ અને જરૂરી સારવાર કરાવવામાં આવી છે.


21 આરોપીઓ સામે ગુના નોંધાયા છે, જેમાંથી 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની તપાસના આધારે આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. મુખ્ય સૂત્રધાર સહિતના આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે અને કેટલાક આરોપીઓ સામે અન્ય ગુનાઓ પણ નોંધાયા હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારે આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લીધી છે અને તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી છે. આ ઘટનાના તાર અન્ય રાજ્ય સુધી પહોંચતા હોય તો ત્યાં પણ જઈને તપાસ અને કાર્યવાહી કરવાની સંપૂર્ણ છૂટ તપાસ એજન્સીઓને આપવામાં આવી છે. આ ઘટનાની પ્રાથમિક તપાસમાં જે બેદરકારી સામે આવી છે તેના પગલે બે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત કુલ સાત પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જવાબદારી નક્કી કરવામાં કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં અને તપાસના અંતે જે કોઈની સંડોવણી અથવા બેદરકારી બહાર આવશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા માનવતાપૂર્ણ અભિગમ સાથે કામગીરી કરવામાં આવી છે.

જેમને કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો હોય અથવા ભેળસેળયુક્ત દારૂનું સેવન કર્યું હોવાની સંભાવના હોય તેવા લોકોને પણ શોધી કાઢી તેમની તબીબી તપાસ કરાવવામાં આવી છે. કેટલાક સ્થળોએ રહેલા પદાર્થોને પણ પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરીને દૂર કરવામાં આવ્યા છે.

આ સમગ્ર ઘટનાને દુઃખદ અને અત્યંત ગંભીર ગણાવતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર માટે એક-એક માનવજીવન અમૂલ્ય છે. ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને જવાબદાર વ્યક્તિ, તેને મદદ કરનાર કે કોઈપણ સ્તરે સંડોવાયેલા વ્યક્તિ સામે કાયદા મુજબ અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવશે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મંત્રીએ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, સિવિલ હોસ્પિટલ સહિત સંબંધિત તમામ વિભાગોના અધિકારીઓ સાથે કરવામાં આવેલી ચર્ચાઓ અંગે પણ માહિતી આપી હતી. રાજ્ય સરકાર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને આગળની તપાસ તથા કાર્યવાહી ત્વરિત અને પારદર્શક રીતે કરવામાં આવશે.